શાળા ફાળવણી ન થયેલ તથા પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે
ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશે
Ahmedabad, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા (List-A) મુજબ તથા તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આવતીકાલ તા. ૧૦ થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ રાત્રે ૧૧.૫૯ કલાક સુધીમાં શાળા પસંદગી આપી શકશે.
જે અન્વયે ઉમેદવારો વેબસાઇટ https://gserc.in/ પર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતાક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી આપી શકશે, તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર PMl-2માં સમાવિષ્ટ તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન શાળા પસંદગી બાદ તા. ૨૭ જૂન, ૨૦૨૫ના રોજ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર પ્રતિક્ષા યાદીના ઉમેદવારોની યાદી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO.13456/2025ના સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની તા.૧૩ નવેમ્બર, ૨૦૨૫ની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૪માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલ નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે અનુસંધાને વિષયવાર-માધ્યમવાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના આવા મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા ઉમેદવારોની યાદી (List-A) વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે, તેમ યાદીમાં જણાવ્યું છે.
