Western Times News

Gujarati News

ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટથી કરોડોનું નુકસાન

  • માર્શલ જવાનો ગુંગળાયા: ૭ કલાકની જહેમત છતાં રાજ માર્કેટની આગ બેકાબૂ, ૩ને હોસ્પિટલે ખસેડાયા

    ગોડાદરા માર્કેટમાં આગ: ૯ ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી, વેપારીઓએ જીઈબી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

(પ્રતિનિધિ) સુરત, તા. ૧૦  સુરત શહેરનાં ગોડાદરા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઈલ માર્કેટમાં બુધવારે સવારે અચાનક ફાટી નીકળેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગણતરીનાં સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર વિભાગ દ્વારા પણ બ્રિગેડ કોલ જાહેર કરવાની સાથે – સાથે માન દરવાજા, ડુંભાલ સહિત ૯ ફાયર સ્ટેશનનોની ૩૦થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. A fire broke out in a warehouse in the Godadara area.

બુધવારે વહેલી સવારે ૭.૧૫ કલાકે ગોડાદરા ખાતે આવેલ રાજ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટનાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રારંભિક તપાસ દરમિયાન વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ શરૂઆતમાં ત્રીજા અને પાંચમા માળ ત્યારબાદ સાતમાં માળ સુધી પ્રસરી ગઈ હતી. જેને પગલે ૨૦થી વધુ દુકાનો આગની ચપેટમાં આવતાં કરોડોનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, માર્કેટમાં ૨૦થી વધુ દુકાનોમાં આગ પ્રસરી જતાં મોટી સંખ્યામાં કાપડ યાર્નનો જથ્થો હોવાને કારણે આગને ઈંધણું મળ્યું હતું.

ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગનાં ઉચ્ચાધિકારીઓ સહિતનો કાફલો દુર્ઘટના સ્થળે ઘસી ગયો હતો. અલબત્ત, ૭ કલાકની ભારે જહેમત બાદ પણ ફાયર વિભાગનાં જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાતમા માળ સુધી પ્રસરેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગનાં જવાનો દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને માર્કેટની બહાર અને અંદરની તરફથી ફાયર વિભાગનાં જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા પાંચ – પાંચ કલાક બાદ પણ પ્રયાસો યથાવત રહેવા પામ્યા છે. ફાયર વિભાગની ચાર જેટલી અલગ – અલગ ટીમો સાતમા માળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની જહેમત ઉઠાવી રહ્યા હતા.

ઘટના અંગે જાણ થતાં જ વેપારીઓ સહિત કર્મચારીઓ પણ દુર્ઘટના સ્થળે ઘસી ગયા હતા. ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. એક તબક્કે આગની જવાળાઓ ત્રણથી ચાર કિલોમીટર દુર સુધી દેખાતાં વેપારીઓનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો. કરોડો રૂપિયાનાં નુકસાનની આશંકાઓ વચ્ચે સવારથી જ વેપારીઓની સાથે – સાથે કર્મચારીઓ પણ માર્કેટ પરિસર અને આસપાસ ટોળે વળીને ઉભા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક વેપારીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે માલ બહાર કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આગ પર કાબુ મેળવવા ૧૫ લાખ લીટર પાણીનો વપરાશ

પાંચ કલાક સુધી ચાલેલી આ જહેમત દરમિયાન ફાયર વિભાગ દ્વારા અંદાજે ૧૫ લાખ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે ફાયર વિભાગનાં ઉચ્ચાધિકારીઓ સહિત ૧૩૦થી વધુ જવાનો દ્વારા આગને અંકુશમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

જીઈબીનાં પાપે આગ લાગી હોવાનાં આક્ષેપો

ઘટના સ્થળે પહોંચેલા વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. તેઓએ જીઈબી દ્વારા પુરો પાડવામાં આવતાં વીજ પુરવઠામાં નિયમિત ધોરણે પાવર ફૂલક્યુએશન થતું હોવાનાં આક્ષેપો પણ કર્યા હતા. વેપારીઓએ આક્ષેપ કર્યો કે આજે પણ વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે જ આગ સાતમા માળ સુધી પ્રસરી હતી.

સમગ્ર ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરાશે: મેયર

ઘટનાની જાણ થતાં જ મેયર દક્ષેશ માવાણી પણ રાજ ટેક્સટાઈલ માર્કેટ ખાતે ઘસી ગયા હતા. તેઓએ પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, ઘટના અંગે તપાસ કરવામાં આવશે અને જો કોઈ અનિયમિતતા કે લાપરવાહી જણાઈ આવશે તો જવાબદાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.