કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ ૭.૯૮ લાખ કરતાં વધુ ખેડુતોને રૂ. ૨,૪૩૦ કરોડની સહાય ચૂકવાઈ
પ્રતિકાત્મક
ઓગષ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના ૬૮,૭૮૭ ખેડૂતોને રૂ. ૨૪૬.૭૦ કરોડની સહાય ચૂકવાઇ
રાજ્યના કુલ ૩,૭૯,૩૬૭ ખેડૂતો પાસેથી રૂ. ૬૦૪૯.૧૫ કરોડના મૂલ્યની ૮,૪૧,૪૯૪.૯૦ મે.ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી: અંદાજે ૧.૪૭ લાખ ખેડૂતોને રૂ. ૨૩૭૬.૪૫ કરોડની ચુકવણી
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે સંદર્ભે કૃષિ રાહત પેકેજ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં ૧૧,૧૨,૫૮૫ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂ. ૩૩૨૦.૮૯ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ ૭,૯૮,૯૭૨ ખેડુતોને રૂ. ૨૪૩૦.૭૫ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં રૂ. ૧૦ હજાર કરોડ કરતાં વધુનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ ૩૦,૭૧,૮૪૬ ખેડુતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાં આજદિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ ૨૦,૮૧,૧૨૨ અરજીઓ મંજુર કરવામાં આવી છે.
આ ઉપરાંત ઓગષ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં થયેલા પાક નુકશાન સામે સહાય મેળવવા કુલ ૨,૨૮,૩૭૬ ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી કુલ ૧,૭૨,૧૬૫ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં ૯૧,૫૮૯ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂ. ૩૧૧.૮૭ કરોડ ઓનલાઇન બીલો તૈયાર કરી દેવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં ૬૮,૭૮૭ ખેડૂતોને રૂ. ૨૪૬.૭૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, આજદિન સુધીમાં રાજ્યના કુલ ૩,૭૯,૩૬૭ ખેડૂતો પાસેથી રૂ. ૬૦૪૯.૧૫ કરોડના મૂલ્યની ૮,૪૧,૪૯૪.૯૦ મે.ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરવામાં આવી છે અને ૧,૪૭,૦૧૭ ખેડૂતોને રૂ. ૨૩૭૬.૪૫ કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે.
