Western Times News

Gujarati News

તસ્કરોએ ભગવાનના મંદિરને પણ છોડતા નથીઃ મૂર્તિઓ અને છત્રની ચોરી

AI Image

અમદાવાદના કૃષ્ણનગરમાં ગોગા મહારાજના મંદિરમાંથી ૧.૨૦ લાખની મત્તાની ચોરી-પીળા અને કાળા કલરના ટી-શર્ટમાં આવ્યો હતો ચોર

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગેટ પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે.

તસ્કરોએ ભગવાનના મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ અને છત્ર મળી કુલ રૂ. ૧.૨૦ લાખના મુદ્દામાલની ચોરી કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કૃષ્ણનગરમાં આવેલી સોસાયટીના ચેરમેન અશોકકુમાર પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચોર ઈસમે મંદિરમાંથી ગોગા મહારાજની અલગ-અલગ કદની કુલ ૯ ચાંદીની મૂર્તિઓ ચોરી હતી. જેનું વજન આશરે ૮૦૦ ગ્રામ અને કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ આંકવામાં આવી છે.

આ ઉપરાંત મૂર્તિઓ પર લગાવેલા આશરે ૨૦૦ ગ્રામ વજનના ૧૨ નંગ ચાંદીના છત્રો (કિંમત રૂ. ૨૦,૦૦૦) પણ ચોરાયા હતા. આમ, કુલ મળીને રૂ. ૧,૨૦,૦૦૦ની મત્તાની ચોરી થઈ છે. ચોરીની આ ઘટના ગત ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બની હતી. સાંજે ૭ વાગ્યાના સુમારે સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ મારુ નિત્યક્રમ મુજબ મંદિરે આરતી કરવા ગયા હતા. ત્યારે તેમણે જોયું કે મંદિરમાંથી મૂર્તિઓ અને છત્ર ગાયબ હતા. તેમણે તાત્કાલિક સોસાયટીના ચેરમેન અશોકકુમાર પટેલને જાણ કરી હતી.

ચોરીની જાણ થતાં સોસાયટીના સભ્યોએ તાત્કાલિક ગેટ પાસેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ફૂટેજ મુજબ, સવારે ૧૧ઃ૨૩ વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશ્યો હતો. તેણે પીળા અને કાળા કલરની ચોકડીવાળું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું.

આ શખ્સ પોતાની પાસે રહેલી કાળા કલરની બેગમાં નિરાંતે મૂર્તિઓ અને છત્રો ભરતો નજરે પડ્‌યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.