ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી વૃધ્ધ પાસેથી 20 લાખ પડાવ્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાયબર ઠગાઈનો વધુ એક ગંભીર કિસ્સો નોંધાયો છે. જેમાં નકલી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સોએ ૭૭ વર્ષીય નિવૃત્ત મેનેજરને ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે જુગારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ૨૦,૫૩,૯૮૬ રૂપિયા પડાવી લીધા છે. ઠગાઈની શરુઆત ત્યારે થઈ જ્યારે વૃદ્ધને અજાણ્યા શખ્સે ફોન કરીને તેમના મોબાઇલ નંબર અને જીયો ફાયબર સર્વિસ બંધ કરવાની ધમકી આપી હતી.
ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકેની ઓળખ આપીને વૃદ્ધને ડરાવવામાં આવ્યા કે તેમની સામે વિવિધ ગુનાઓમાં કેસ દાખલ થયો છે, એટલું જ નહીં, ઈડીનો બનાવટી લેટર પણ તેમને મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર ષડયંત્રના પરિણામે ગભરાયેલા વૃદ્ધે આ મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી, અને આ અંગે નિવૃત્ત મેનેજરે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષીય વૃદ્ધ સાથે થયેલી ઠગાઈમાં સૌપ્રથમ એક અજાણ્યા શખ્સે વાટ્સએપ કાલ કર્યો હતો. જેમાં તેણે પોતાની ઓળખ જીયો કંપનીના ‘કાર્તિક યાદવ’ તરીકે આપીને વૃદ્ધનો મોબાઇલ નંબર અને જીયો ફાઇબર સર્વિસ બંધ થવાની ધમકી આપી. જોકે, તરત જ આ કાલ સીબીઆઈ અધિકારી ‘શંકર સુરેશ પાટીલ’ તરીકે ઓળખ આપતાં અન્ય શખ્સ તરફ ટ્રાન્સફર થયો.
આ નકલી અધિકારીએ વૃદ્ધને જણાવ્યું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને ‘સુરેશ અનુરાગ’ નામના વ્યક્તિએ ગેરકાયદેસર બૅંક એકાઉન્ટ ખોલાવ્યું છે. વધુમાં તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે જુગાર જેવી ગંભીર પ્રવૃત્તિઓમાં થયો હોવાનું જણાવી વૃદ્ધને વધુ ડરાવ્યા કર્યા હતા.
મામલાને વધુ વિશ્વાસપાત્ર બનાવવા માટે સર્વેલન્સ ટીમના ‘આનંદ રાણા’ નામના અન્ય ગઠિયાએ સુપ્રીમ કોર્ટનો બનાવટી લેટર મોકલ્યો અને ત્યાર બાદ વાટ્સએપ વીડિયો કાલ દ્વારા પોલીસના ગણવેશમાં સજ્જ મુંબઈના નકલી સીબીઆઈ અધિકારી સાથે વાત કરાવી હતી.
સાયબર ઠગોએ વૃદ્ધને વાટ્સએપ કાલ દ્વારા સતત ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું, એટલું જ નહીં, તેમને ઘરની બહાર નીકળવા માટે પણ આ ગઠિયાઓની પરવાનગી લેવાની ફરજ પડતી હતી, જેનાથી તેઓ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગયા હતા.
ત્યાર બાદ ઠગ આનંદ રાણાએ ફેમા અને પીએમએલએ જેવા કાયદાઓ હેઠળ વધુ ગુનાઓ લાગુ થવાનું જણાવીને તેમને વધુ ડરાવ્યા હતા. જોકે, વૃદ્ધની ઉંમરને કારણે ધરપકડ ટાળવા માટે, ‘પ્રાયોરિટી ઇન્વેસ્ટિગેશન’ના બહાને મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું.
ગભરાયેલા વૃદ્ધે પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સ વેચીને અને બૅંક એકાઉન્ટમાંથી કુલ રૂ. ૨૦,૫૩,૯૮૬ની રકમ ઠગના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. પૈસા જમા થયા પછી પણ ગઠિયાઓએ જુદા જુદા નંબર પરથી વીડિયો કાલ કરીને વધુ નાણાંની માંગણી ચાલુ રાખી જેના કારણે આખરે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
