Western Times News

Gujarati News

US એ H1-B, H-4 વિઝા અરજદારોના હજારો ઇન્ટરવ્યૂ એકાએક રદ કર્યાં

નવી દિલ્હી, સોશિયલ મીડિયાની ચકાસણી કરવાના અમેરિકાના નવા નિયમને કારણે ભારતમાં એચ-૧બી વિઝાની કામગીરી ખોરવાઈ ગઈ છે. ઘણી એચ-વનબી વિઝા એપોઇન્ટમેન્ટ્‌સ આગામી વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે અને હજારો એચ-૧બી અને એચ-૪ વિઝા અરજદારોના ઇન્ટરવ્યૂ અચાનક રદ થયાં છે.

ભારત ખાતેના યુએસ દૂતાવાસે મંગળવારે રાત્રે વિઝા અરજદારો માટે એક એડવાઇઝરી જારી કરી જણાવ્યું હતું કે જો તમને એવો ઇ-મેઇલ મળ્યો હોય કે તમારી વિઝા એપોઇન્ટમેન્ટની તારીખ બદલવામાં આવી છે તો મિશન ઇન્ડિયા તમારી નવી એપોઇન્ટમેન્ટ તારીખમાં તમને મદદ કરવા માટે આતુર છે.

દૂતાવાસે એવી પણ ચેતવણી આપી હતી કે વિઝા ઇન્ટરવ્યૂની તારીખમાં ફેરફારની નોટિસ મળ્યા પછી પણ જો કોઇ વિઝા અરજદાર અગાઉની નિર્ધારિત ઇન્ટરવ્યૂ તારીખે કોન્સ્યુલેટમાં પહોંચશે તેમને પ્રવેશ નકારવામાં આવશે.

૧૫ ડિસેમ્બર અથવા તે પછી નિર્ધારિત ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટને રદ કરાઇને નવી તારીખો લેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે દૂતાવાસે આ એડવાઇઝરી જારી કરી હતી. અમેરિકાના વિદેશ વિભાગે વિઝા આપતા પહેલા અરજદારોની સોશિયલ મીડિયા પ્રવૃત્તિની વ્યાપક ચકાસણી કરવાનો નિર્ણય બનાવ્યો છે. આ નિયમ મુજબ કોન્સ્યુલર અધિકારીઓને ઇન્ટરવ્યૂ પહેલાં અરજદારોની સોશિયલ-મીડિયા પ્રવૃત્તિની તપાસ કરવી પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.