તિરુપતિ મંદિરમાં લાડુ પછી રૂ.૫૪ કરોડનું ‘અંગવસ્ત્રમ’ કૌભાંડ
તિરુપતિ, આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમલાના શ્રી વેંકટેશ્વર મંદિરમાં લાડુ પછી પ્રસાદ તરીકે આપવામાં આવતા ‘અંગવસ્ત્રમ’(દુપટ્ટા)ના વેચાણમાં કૌભાંડ થયું હોવાની વિગતો સામે આવી છે. મીડિયા અહેવાલ મુજબ, એક કોન્ટ્રાક્ટરે શુદ્ધ મુલબેરી શિલ્ક દુપટ્ટાના બદલે સતત ૧૦૦ ટકા પોલિએસ્ટર દુપટ્ટા સપ્લાય કર્યા.બિલિંગ સિલ્ક દુપટ્ટાના નામે જ થયું. એક પોલિએસ્ટર દુપટ્ટાની મૂળ કિંમત લગભગ રૂપિયા ૩૫૦ હતી.
પરંતુ તિરુમલા મંદિરનું સંચાલન કરતા તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી)ને એ જ દુપટ્ટા રૂપિયા ૧૩૦૦માં વેચવામાં આવ્યા. આ કૌભાંડ વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫, એટલે છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહ્યું હતું.
આ દરમિયાન ટીટીડીએ કોન્ટ્રાક્ટરને બીલ પેટે લગભગ રૂપિયા ૫૪ કરોડ ચૂકવ્યા.ટીટીડી બોર્ડના ચેરમેન બીઆર નાયડુની સૂચના પર એક ઈન્ટરનલ તપાસ શરુ કરાઈ હતી, ત્યાર પછી આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે. નાયડુના જણાવ્યા મુજબ, મંદિરમાં દાન આપનાર દાતાઓને પ્રસાદ તરીકે સિલ્ક દુપટ્ટો ઓઢાડવામાં આવે છે. આ ઉપરાંત, વેદાશીર્વચનમ જેવા પૂજા-પાઠમાં સિલ્ક દુપટ્ટાનો ઉપયોગ થાય છે.
એમાં પણ સસ્તા પોલિએસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દુપટ્ટાના સેમ્પલ વૈજ્ઞાનિક ટેસ્ટ માટ બે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. બંને રિપોર્ટમાં દુપટ્ટાનું કાપડ પોલિએસ્ટરનું નીકળ્યું હતું.SS1MS
