સુરતમાં ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે ભીષણ આગ લાગી
સુરત, સુરતનાં ગોડાદરા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં બુધવારે સવારે અચાનક ફાટી નીકળેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રારંભિક તપાસમાં લિફ્ટનાં વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગ શરૂઆતમાં ત્રીજા અને પાંચમા માળથી સાતમા માળ સુધી પ્રસરી ગઈ હતી. લગભગ પાંચથી છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો, પરંતુ ઘટનાના ૧૨ કલાક બાદ પણ કુલિંગની કામગીરી ચાલુ રહી હતી.
આ દરમિયાન પણ આગના છમકલાં જારી રહેતાં ૧૫ કલાકે કાબૂમાં આવી હતી.ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે, સવારે ૭ઃ૧૫ કલાકે લિફ્ટના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ શરૂ થઈ હતી. આગે ગણતરીના સમયમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ગંભીરતા જોતાં ફાયર વિભાગે ‘બ્રિગેડ કોલ’ જાહેર કર્યાે હતો. માન દરવાજા, ડુંભાલ સહિત ૯ ફાયર સ્ટેશનની ૩૦થી વધુ ગાડીઓ અને ૧૩૦થી વધુ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આગને નિયંત્રણમાં લેવા માટે અંદાજે ૧૫ લાખ લીટર પાણીનો વપરાશ થયો હતો. માર્કેટમાં કાપડ અને યાર્નનો મોટો જથ્થો હોવાને કારણે ૨૦થી વધુ દુકાનો આગની ચપેટમાં આવતાં કરોડોનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક તબક્કે આગ પર કાબુ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ થોડી જ વારમાં આગે પુનઃ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જવાનોએ અંદર અને બહારની તરફથી સતત પ્રયાસો જારી રાખ્યા હતા.
ભીષણ આગ અને અસહ્ય ધુમાડાને કારણે ફાયર વિભાગનાં જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આગ બુઝાવવાની કામગીરી દરમિયાન જીવનાં જોખમે આગ પર કાબુ મેળવવા જતાં ત્રણ માર્શલ જવાનો ધુમાડાની ચપેટમાં આવવાથી ગુંગળામણની અસર થતાં બિમાર પડ્યા હતા.
મહેશ અર્જુન ચાવડા (૩૫), શાંતારામ રામદાસ નિકમ (૫૫), અને યોગરાજ ગોરખનાથ પાટીલ (૩૩)ને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આગની જ્વાળાઓ ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાતા, વેપારીઓ અને કર્મચારીઓ સવારથી જ માર્કેટ પરિસરમાં ટોળે વળીને ઊભા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના કેટલાક વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે પોતાનો માલ-સામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યાે હતો.SS1MS
