ગીરગઢડા-ફરેડા રોડ પર સિંહણ સાથે ૬-૬ સિંહબાળની લટાર
ઉના, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા-ફરેડા રોડ પર ગૌશાળા અને ગેબનશાપીર દરગાહ વચ્ચેના પુલ પર બુધવાર વહેલી સવારે સિંહ પરિવાર લટાર મારવા નીકળતા એક અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું. સિંહણ તેના છ બચ્ચાં સાથે રોડ પર શાહી લટાર મારતી જોવા મળી હતી. વનરાજનો પરિવાર રોડ પરથી પસાર થતાં નીકળતા વાહનો થંભી ગયા હતા. આ દૃશ્યો વાહનચાલકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા.
આ સિંહ પરિવાર ફરેડા ગામ તરફ આગળ વધી રહ્યો હતો. આ દૃશ્યો જોઈને પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. સફારી પાર્કમાં પણ ભાગ્યે જ જોવા મળતા છ-છ બાળસિંહ સાથેની સિંહણની લટાર સ્થાનિકો માટે એક લહાવો બની રહી હતી.
ઉના-ગીરગઢડા પંથક જંગલ વિસ્તારની તદ્દન નજીક આવેલો હોવાથી એશિયાટિક સિંહોનો કાયમી વસવાટ બની ગયો છે. નાઘેર પંથક તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ખુલ્લામાં વિહરતા સિંહો નિયમિતપણે જોવા મળે છે. રાત્રિના સમયે સિંહપ્રેમીઓ ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દર્શન માટે આવતા હોય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, માનવ વસાહતોમાં સિંહ પરિવારને સહેલાઈથી શિકાર મળી જતો હોવાથી તેઓ ગ્રામ્ય વિસ્તારોને વધુ પસંદ કરી રહ્યા છે.SS1MS
