સાબરકાંઠાના લાખિયા ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું
હિંમતનગર, સાબરકાંઠા એસઓજીની ટીમ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, લાખીયા ગામે નાની સોનગઢ ફળીમાં રહેતો એક વ્યકિત કબ્જા ભોગવટાની જગ્યામાં ગાંજાનું વાવેતર કરે છે. આ બાતમીના આધારે પોલીસે ડ્રોનની મદદથી તપાસ કરી ગાંજાના વાવેતર કરેલા કુલ છોડ નંગ ૫૫૮, વજન ૨૨૬.૨૩૭ કિલો ગ્રામ કિં.રૂ.૧,૧૩,૧૧,૮૫૦ના મુદ્દામાલ સાથે એક વ્યકિતને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
એસઓજીના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં નાર્કાેટિક ડ્રગ્સની બદીને નાબૂદ કરવા તથા એટીએસ ચાર્ટરને લગતા કેસોની કામગીરી અંગે સૂચના બાદ સાબરકાંઠા એસઓજી પીઆઇ ડી.સી.પરમાર તથા ટીમ દ્વારા પોશીના પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું,
તે દરમિયાન એએસઆઇ જયદીપકુમાર, અપકો પંકજકુમાર તથા નિલેશકુમારને સંયુકત બાતમી મળી હતી કે, લાખીયા ગામે નાની સોનગઢ ફળીમાં હામથાભાઇ ધર્માભાઇ ડાભી નામનો માણસ રહે છે અને તેણે રહેઠાણ મકાનની આગળ ગાંજાનું વાવેતર કર્યુ છે.
જેના આધારે સ્થળ પર જવુ હિતાવહ ન હોવાથી એસઓજીની ટીમે ડ્રોન મંગાવી બાતમીવાળી જગ્યાની ખરાઇ કરાવી હતી. બાદમાં તપાસ કરતા ખેતરમાંથી વાવેતર કરેલું મળી આવ્યું હતું. આથી પોલીસે પંચોને સાથે રૂબરૂમાં રાખી ગાંજાના છોડ કુલ નંગ ૫૫૮, વજન ૨૨૬.૨૩૭ કિલો ગ્રામ કિં.રૂ. ૧,૧૩,૧૧,૮૫૦ના જથ્થા સાથે હામથાભાઇ ધર્માભાઇ ડાભી (રહે. નાની સોનગઢ ફળીયુ, લાખીયા, તા.પોશીના)ની અટકાયત કરી પોશીના પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS
