Western Times News

Gujarati News

સૌથી વધુ શૈલીની પાઘડી બાંધવાની કલામાં મહારથ સમગ્ર દેશમાં એકમાત્ર ધર્મરાજસિંહ વાઘેલા પાસે છે

રાજ્ય સરકારના એક અધિકારી ૩૭૩ પ્રકારની પરંપરાગત પાઘડીઓ બાંધી જાણે છે

ધર્મરાજસિંહે પાઘડી બાંધવાની કલાને જીવંત રાખવા  માટે પીએસઆઇને બદલે જિલ્લા યુવા વિકાસ અધિકારી બનવાનું પસંદ કર્યું

સૌથી મોટી પાઘડી તેમણે ભગવાન શ્રી સોમનાથને ચઢાવી છે. ૭ મિટરના ઘેરાવો ધરાવતા શિવલિંગને પાઘડી ચઢાવવા માટે તાબડતોબ ૨૦૦ મિટર કાપડ પ્રિન્ટ કરાવ્યું હતું અને બાદમાં ચઢાવી હતી.

ગાંધીનગર,     રાજ્ય સરકારના રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા એક જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અદ્દભૂત કલા ઉપર મહારથ મેળવી છે. આ અધિકારી પ્રાચીનકાલથી લઇને અર્વાચીન કાલ સુધી પ્રવર્તતી પરંપરા મુજબની ૩૭૩ પ્રકારની પાઘડીઓ બાંધી શકે છે. પોતાની આ કલાને જીવંત રાખવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બદલે સાંસ્કૃતિક વિભાગમાં જવાનું પસંદ કરનારા આ અધિકારી દેશના વિવિધ પ્રાંતોમાં ફરીને આ કલાને શીખ્યા છે.

    જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ધર્મરાજસિંહ વાઘેલાને બાલ્યકાળથી સાફા બાંધવાનો શોખ. પાંચ વર્ષના હતા ત્યારે તેમણે પોતાના વતન ગાંગડના રાજવી પરિવારના શ્રી રઘુવીરસિંહ વાઘેલાને નૈવેધના પ્રસંગના સમયે સાફો બાંધ્યો હતો. એ બાદના પારિવારિક શુભ-અશુભ પ્રસંગોમાં એકત્ર થતાં વિવિધ પ્રાંતપ્રદેશોના પરિજનોના માથા ઉપર બાંધવામાં આવેલી જુદા-જુદા પ્રકારની પાઘડીઓ જોઇ તેઓ અચરજ પામતા અને તેમાંથી આ પાઘડી કેવી રીતે બાંધી શકાયએ શીખવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઇ.

    તેમણે રાજકોટ ખાતે સ્નાતકનો અભ્યાસ કર્યો છે. તે દરમિયાન તેઓ એનસીસી સાથે જોડાયેલા હતા. આરડીસી જેવા રાષ્ટ્રીય સ્તરના અનેક કેમ્પમાં ભાગ લીધો. આ ઉપરાંત હોકીશૂટિંગના પણ ખેલાડી. એટલે આ અનુસંધાને તેમને અનેક રાજ્યોમાં જવાનું થતું હતું. જે રાજ્યમાં જાય ત્યાં પાઘડી બાંધવાની કલાની જાણકારી મેળવીજે તે પ્રાંત-પ્રદેશોમાં તેઓ ગયા ત્યાં સ્થાનિક જાણકારને મળી આ કલા શીખી.

    મહારાષ્ટ્રમધ્યપ્રદેશદિલ્હીઉત્તરપ્રદેશબિહારપંજાબ ઉપરાંત રાજસ્થાનની તો તેમણે અનેક વખત મુલાકાત લીધી છે. આમ તેઓ દેશ ઉપરાંત વિદેશમાં બંધાતી પાઘડીઓની માહિતી એકત્ર કરી અને ૩૭૩ પ્રકારની પાઘડી બાંધતા શીખ્યા. આ નંબર તો તે જાણે છે એ છે. એનાથી પણ વધારે પાઘડીના પ્રકારો છે.

    આ વાત થઇ ધર્મરાજસિંહની. તેમની કલાની વાત વધુ રસપ્રદ છે. લગભગ તમામ પ્રદેશોધર્મોજાતિઓમાં પાઘડીને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં યુદ્ધ બાદ પરાજિત રાજાલડવૈયાની પાઘડી લઇ લેવામાં આવતી હતી. તેને નાલેશી માનવામાં આવતી હતી.

    પ્રાચીન કાળમાં પાઘડીને ઉષ્ણીશ તરીકે ઓળખવામાં આવતી હતી. શાંતિ દરમિયાન શિરોભુષણ અને યુદ્ધમાં શીરસ્ત્રાણ પહેરવામાં આવતા હતા. શીરસ્ત્રાણની બનાવટ ઓછાવત્તા સરખી જ હતી. પણ શિરોભુષણ એટલે કે આપણે અત્યારે પાઘડી કહીએ છીએ તે પ્રસંગજાતિપ્રાંત પ્રમાણે અલગ અલગ હતી. જેમ કેસાફો બાંધવાની પ્રથા આપણે ત્યાં ગાંધાર (હાલ અફઘાનના પઠાણોનો મુળ શિરોભુષણ) પ્રદેશમાંથી આવી છે.

    શિરોભુષણના મૂળ પ્રકારો જોઇએ તો પાટલી પાટીને બંધાય એ પાઘવળ ચઢાવીને બંધાય એ પાઘડી ઉપરાંત સાફો અને ફેંટો આ બે સાદા કાપડથી બાંધવામાં આવે છે. સાફામાં ‘માભો’ રાખવામાં આવે છે. આ ઉપરાંત છોગુંફૂગ પણ રાખવામાં આવે છે. સાફાના ઉપરના ભાગને છોગુબાજુમાં રહે તે વળપટા પડે એને માભોનીચે રહે તેને ફગ કહેવામાં આવે છે.

    હાલના સમયમાં પાઘડીઓને ગ્રંથસ્થ કરવાનું શ્રેય વડોદરાના રાજવી ફતેસિંહ ગાયકવાડ અને જોધપુરના મહેંદ્રસિંહ નગરને જાય છે. તેમણે અલગ અલગ પ્રાંતજાતિની પાઘડીઓને સંગ્રહિત કરી છે. એ બાદ મધ્યપ્રદેશરાજસ્થાનઉત્તરપ્રદેશના કેટલાક કલાકારો પાઘડીઓ બાંધી જાણે છે પણસમગ્ર દેશમાં સૌથી વધુ ૩૭૩ પ્રકારની પાઘડી બાંધવાની કલા તો એક માત્ર શ્રી ધર્મરાજસિંહ વાઘેલા જ જાણે છે.

    રાજકવિ પિંગળશી ગઢવીએ પચાસ પ્રકારની પાઘડીઓનો ઉલ્લેખ કર્યો છે. જો કેતેમની આ નોંધ કચ્છ – કાઠિયાવડમાં બંધાતી પાઘડીઓ પૂરતી જ સીમિત છે. ગુજરાતના ઇતિહાસના પ્રસિદ્ધ પાત્ર વીર માંડવાવાળાની કથાના એક દોહા આવે છે. પાઘડિયું પચાસપણ એમાં આંટીયાળી એકેય નઈપણ ઇ ઘોડો ને ઇ અસવારહું તો મિટે ન ભાળું માંગડો! આ વાત અશુભ પ્રસંગે પાઘડી બાંધવાની શૈલીમાં ફેરફાર કરવાની પ્રથાને સૂચવે છે. યુદ્ધ – ધિંગાળામાં કોઇ વીર શહીદ (કામે આવવું) થાય ત્યારે તેની સાથે લડતા અન્ય લોકો પાઘડીના છેડે રહેલા વળ છોડી નાખતા હતા.

    એક સમયે ગુજરાતમાં પાઘડીઓ પ્રદેશ કે જ્ઞાતિની ઓળખ સમાન હતી. જેમ કેવડોદરાની બાબાશાહીસુરતીઅમદાવાદીપટ્ટણીઝાલાવાડીભાવનગરીહાલારીજૂનાગઢીમોરબીશાહી આવા નામે પાઘડીઓ ઓળખાતી હતી. જ્ઞાતિઓ પણ જુદાજુદા પ્રકારની પાઘડીઓ પહેરતી હતી.

    જેમ કેભરવાડો ભોજપુરુ નામક પાઘડીઓ પહેરતા હતા. જેમાં નાના ભાઇ કે મોટા ભાઇ ભરવાડની ભોજપરું બાંધવાની શૈલી અલગ ! રબારીઓ ભોજપરુનો છેડો રાતો રાખતા હતા. ક્ષત્રિયો પરંપરા મુજબની ઉપરાંત ભાટિયાનાગરપટેલોદલિતો વિગરે અલગ અલગ પ્રકારની પાઘડીઓ બાંધતા હતા. આ તમામ બાબતો શ્રી પિંગળશી ગઢવીશ્રી જોરાવરસિંહ જાદવે ગ્રંથસ્થ કરી છે.

    શિવાજી મહારાજ પહેરે છેએવી મરાઠાશિંદેશાહી પાઘડીઓ ચિત્રોમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમધ્યપ્રદેશના પ્રાંતોમાં તો પાઘડી બાંધવાનો વ્યવસાય હતો. તેને પડઘબંધ કહેવાતા હતા. ગુજરાતમાં આ વ્યવસાય પાઘડાળ તરીકે ઓળખાતો હતો. ગુજરાતના એક રાજાને મળવા માટે જવાનું થાય ત્યારે તેના રાજ્ય જેવી જ પાઘડી પહેરવી પડતી હતી.

    જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વાઘેલા કહે છેસામાન્ય રીતે ૯થી ૧૩ મિટરના પૂર્ણ પન્ના વાળા કાપડથી કોઇ પણ ગુજરાતીરાજસ્થાની અર્વાચિન પાઘ,પાઘડી  બંધાય જાય છે. આ ૩૭૩ પ્રકારો પૈકી સૌથી વધુ કપરી શૈલી કળાભરેલી કાઠિયાવાડી પાઘડીની છે. પહેલા ગુલખાર કે ઢાકા મલમલનું કાપડ પાઘડી બાંધવા માટે વપરાતું હતું. ગુજરાતમાં બહુધા લોકો જાતે જ પાઘડી બાંધતા હતા. પણ હવે ધીમે આ પ્રથા ભૂલાઇ રહી છે. મારા આઠ વર્ષીય દીકરા ધ્રુવરાજ સિંહને સાફો બાંધતા આવડી ગયું છે. આ પાઘડીઓ કલાને જીવંત રાખવા માટે ૩૭૩ પ્રકારને કચ્છના પ્રાગ મહેલના સંગ્રહાલયના મ્યુઝિયમમાં મૂકવાનું આયોજન છે.

    તે કહે છેસૌથી મોટી પાઘડી તેમણે ભગવાન શ્રી સોમનાથને ચઢાવી છે. ૭ મિટરના ઘેરાવો ધરાવતા શિવલિંગને પાઘડી ચઢાવવા માટે તાબડતોબ ૨૦૦ મિટર કાપડ પ્રિન્ટ કરાવ્યું હતું અને બાદમાં ચઢાવી હતી.

    આમશ્રી વાઘેલા તેમના શોખ અનુસાર નોકરી કરી પાઘડી બાંધવાની કલાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએ આ કલાના જ્ઞાન અને પ્રચાર પ્રસાર માટે ૧૬ પ્રદર્શનો કર્યા છે. આ કળા શીખવા માંગતા યુવાનો માટે ૨૩ ટ્રેઇનિંગ કેમ્પો પણ કર્યાં છે. જેમાં અનેક યુવાનો સાફા પાઘડી બાંધતા શીખવાડ્યું છે. તેઓ ૧૫ વર્ષના હતા ત્યારથી યુવાનોને સાફા બાંધતા શીખવાડે છે. એમની પાસે શીખેલા ૪૦ જેટલા યુવાનો અત્યારે વ્યવસાયિક ધોરણે સાફા બાંધે છે. આર્થિક સ્થિતિ નબળી હોય એવા કેટલાક યુવાનોને તેમણે સાફા બાંધવાનું કાપડ ખરીદી આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.