Western Times News

Gujarati News

કાંકરિયા કાર્નિવલમાં ગીતાબેન રબારી, કીર્તિદાન અને ઈશાની દવે ધૂમ મચાવશે

File Photo

મુખ્યમંત્રી 25 ડિસેમ્બરે કાર્નિવલ ના ઉદ્ઘાટન સાથે પ્રજાકીય કામોના લોકાર્પણ કરશે : દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદની આગવી ઓળખ બનેલા કાંકરિયા કાર્નિવલ 2025નું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25થી 31 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલના નવીનતમ આયોજનમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને દુબઇમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે.

સાત દિવસમાં કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક કલાકારો જેમાં કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઈશાની દવે, બ્રીજદાન ગઢવી સહિતના કલાકારો પરફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરના રોજ 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે. અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રાત્રે 10 વાગ્યે ડ્રોન શો થશે.

26 ડિસેમ્બરથી ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુઝિકલ પર્ફોર્મન્સ, જ્વેલરી મેકિંગ વર્કશોપ, સોશિયલ મીડિયા વર્કશોપ, જાદુગર ના શો અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે.

કાંકરિયા પરિસરમાં જુદાં-જુદાં સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. વિખૂટા પડી ગયેલાં બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ-બંદોબસ્ત તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે. વધુમાં દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે કાંકરિયા કાર્નિવલના ઉદઘાટનની સાથે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.