ઇન્ડિગોની આ મોટી નિષ્ફળતા સામાન્ય ભૂલ નથી લાગતી: નાગરિક ઉડ્ડયન મંત્રી
File Photo
ફ્લાઇટ ઉપડવામાં ૧૫ મિનિટના વિલંબની તપાસ થશે -કંપનીએ કારણ જણાવવું પડશે; નિરીક્ષણ સંબંધિત નિયમો તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યા
નવી દિલ્હી, દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રથમ વખત તકનીકી ખામીઓની દેખરેખ માટેની સંપૂર્ણ વ્યવસ્થા તાત્કાલિક અસરથી બદલી દેવામાં આવી છે. ફ્લાઇટ્સમાં સતત વિલંબ, રદ્દીકરણ અને તાજેતરની સુરક્ષા ઘટનાઓએ ડીજીસીએને ડિફેક્ટ રિર્પોટિંગ સિસ્ટમને મૂળભૂત રીતે કડક કરવા મજબૂર કર્યા છે. ૧
૨ પાનાના નવા આદેશ મુજબ, હવે કોઈપણ નિર્ધારિત ફ્લાઇટમાં તકનીકી કારણોસર ૧૫ મિનિટ કે તેથી વધુ વિલંબ થાય તો તેની તપાસ ફરજિયાત રહેશે. કંપનીએ જણાવવું પડશે કે વિલંબ શા માટે થયો? તેને કેવી રીતે સુધારવામાં આવ્યો? ફરીથી ન થાય તે માટે શું પગલાં લેવામાં આવ્યા? આવી જોગવાઈઓ પહેલા લાગુ ન હતી.
કંપનીએ કોઈપણ ‘મેજર ડિફેક્ટ’ની તાત્કાલિક જાણ ડીજીસીએને ફોન પર કરવી પડશે. ૭૨ કલાકમાં વિગતવાર રિપોર્ટ મોકલવો પડશે. જો ખામી ત્રણ વખત પુનરાવર્તિત થાય, તો તેને ‘પુનરાવર્તિત ખામી’ ગણવામાં આવશે અને તેના પર અલગથી વિશેષ તપાસ શરૂ થશે. ડીજીસીએએ આ કડકાઈ એટલા માટે કરી કારણ કે અત્યાર સુધી ડિફેક્ટ રિર્પોટિંગ સિસ્ટમ નબળી હતી.
અત્યાર સુધી ૧૫ મિનિટના વિલંબની તપાસ જેવી કોઈ વ્યવસ્થા ન હતી અને પુનરાવર્તિત ખામીની કોઈ વ્યાખ્યા પણ ન હતી. ડીજીસીએ તરફથી નવી જોગવાઈઓ ઇન્ડિગો સંકટ સામે આવ્યા પછી આવી છે. હકીકતમાં ઇન્ડિગોમાં ક્રૂ મેમ્બર્સની અછતને કારણે છેલ્લા ૮ દિવસમાં ૫૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી. ઇન્ડિગોના ચેરમેન વિક્રમ સિંહ મહેતા સંકટના ૯ દિવસ પછી બુધવારે લોકો સમક્ષ આવ્યા. તેમણે વીડિયો સંદેશ જારી કરીને મુસાફરોની માફી માંગી.
તેમણે કહ્યું કે અમે દરેક પાસાની તપાસ કરીશું. આમાં બાહ્ય ટેકનિકલ નિષ્ણાતો પણ રહેશે, જે ગડબડીનું સાચું કારણ શોધી કાઢશે. ડીજીસીએ જણાવ્યું કે ૨-૩ દિવસમાં વરિષ્ઠ અધિકારીઓ ૧૧ ઘરેલુ એરપોર્ટ પર ઓન-સાઇટ નિરીક્ષણ કરશે. અધિકારીઓ ઇન્ડિગોના ઓપરેશનના વિવિધ પાસાઓની તપાસ કરશે.
આ ૧૧ એરપોર્ટમાં નાગપુર, જયપુર, ભોપાલ, સુરત, તિરુપતિ, વિજયવાડા, શિરડી, કોચીન, લખનૌ, અમૃતસર અને દેહરાદૂનનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ મુલાકાતના ૨૪ કલાકની અંદર નવી દિલ્હીમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ફ્લાઇટ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ઓપરેશન્સ ડાયરેક્ટરને રિપોર્ટ આપશે. ઇન્ડિગો સંકટને લઈને હવે ડીજીસીએ (નાગરિક ઉડ્ડયન નિયામક) પણ કેન્દ્ર સરકારની તપાસના રડાર પર છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ઇન્ડિગોની ગડબડ પર માત્ર એરલાઇન જ નહીં, પરંતુ ડીજીસીએના કામકાજની પણ તપાસ થશે. મંત્રીએ મુસાફરોને થયેલી પરેશાની માટે માફી માગી અને કહ્યું કે જવાબદાર લોકો પર કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે ઇન્ડિગોની આ મોટી નિષ્ફળતા સામાન્ય ભૂલ નથી લાગતી, પરંતુ તેમાં જાણી જોઈને થયેલી બેદરકારીના સંકેતો મળી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે સરકાર આ તપાસ કરી રહી છે કે આખરે આવું સંકટ તે જ સમયે શા માટે આવ્યું અને ઓપરેશન્સ હોવા છતાં પરિસ્થિતિ કેવી રીતે બગડી. સીઈઓને હટાવવાના સવાલ પર નાયડુએ કહ્યું કે જરૂર પડી તો ચોક્કસ હટાવવામાં આવશે. જે પણ કાયદેસરની કાર્યવાહી બનશે, તે ચોક્કસ થશે. નાયડુએ એ પણ જણાવ્યું કે હું છેલ્લા ૭ દિવસથી સતત મીટિંગ કરી રહ્યો છું અને માંડ ઊંઘી શક્યો છું, કારણ કે ધ્યાન ફક્ત મુસાફરોની પરેશાની દૂર કરવા પર છે.
