૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં
પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.
શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિ
-:નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી:-
· ‘મુસ્કુરાઇએ! અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.‘
· આટલી મોટી સંખ્યામાં લોકોને એકસાથે નાગરિકતા આપવામાં આવે એવા દૃશ્યો કદાચ જ દેશના બીજા રાજ્યોમાં જોવા મળે
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં ૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં CAA અંતર્ગત ૧૨૨ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અને કલેક્ટર કચેરીમાં નોંધાયેલા ૭૩ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મળીને કુલ ૧૯૫ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સૌને આવકારતા કહ્યું કે, ‘મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.‘
નાગરિકતા મેળવનાર ૧૯૫ લોકો માટે આજે અત્યંત આનંદની ક્ષણ છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ૧૯૫ લોકોને એકસાથે નાગરિકતા આપવામાં આવે એવા દૃશ્યો કદાચ જ દેશના બીજા રાજ્યોમાં જોવા મળે. અનેક દેશોમાં વર્ષો સુધી યાતનાઓ વેઠીને અને દુઃખો સહન કરીને ભારતમાં શરણાર્થી તરીકે આવીને વસેલા લોકો વર્ષોથી દેશના વિકાસમાં સહભાગી બન્યા છે.

CAA કાયદા બદલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે.
પાકિસ્તાનમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.
શરણાર્થી નાગરિકોને ભારતમાં ગર્વભેર જીવન જીવવા અને પોતાના સપનાઓ સાકાર કરવામાં CAA કાયદો મહત્વનો સાબિત થયો છે. નાગરિકતા પ્રમાણપત્ર મેળવીને તેઓ વિવિધ અધિકારો અને સેવાઓ સરળતાથી પ્રાપ્ત કરી શકશે. શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરનારા સૌ નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓને પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પ્રસંશનીય કામગીરી થકી નાગરિકોને વર્ષ ૨૦૧૭થી નાગરિકતા પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યાં છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના અવસરે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાએ નાગરિકતા પ્રમાણપત્ર મેળવવા જઈ રહેલા સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જેમણે વર્ષો સુધી નાગરિકતા મેળવવા રાહ જોઈ છે એમના સપના આજે સાકાર થઈ રહ્યા છે. ભારત દેશ ‘વસુધૈવ કુટુંબકમ‘ની ભાવના સાકાર કરે છે. આજે નાગરિકતા મેળવવા જઈ રહેલા સૌ નાગરિકોને ભારતીય કુટુંબમાં આવકારીએ છીએ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે CAA કાયદા થકી અન્ય દેશોમાંથી આવીને વસેલા પરિવારોની લાગણીઓ સમજી છે. તેઓ પ્રજાની તકલીફો, તેમના પ્રશ્નો સારી રીતે સમજે છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવા સતત પ્રયાસરત રહે છે. આ કાયદા હેઠળ દેશમાં લાયક નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં અમદાવાદ જિલ્લો મોખરે છે. સાથે જ, તેમણે વિવિધ સમાજ અને સમુદાયના પરિવારોના લોકોના જીવનધોરણ ઊંચા લાવવા માટે અમલી એવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે ભારતીય નાગરિકતા મેળવનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ અને ૧૯૫૬થી ભારતમાં આવીને વસેલા ડો. મહેશકુમાર પુરોહિતે આ પ્રસંગે પોતાના પ્રતિભાવો વર્ણવતા જણાવ્યું હતું કે આજનો અવસર આનંદનો અવસર છે. સ્થળાંતરણ સમયે તેમણે ભોગવેલી યાતનાઓ સહિત તેમણે વેઠેલી હાલાકીઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “મને પહેલા ખ્યાલ નહોતો કે હું ભારતીય નાગરિક નથી.
જ્યારે પાસપોર્ટ કરાવવા ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે મારી પાસે નાગરિકતા નથી, કારણ કે મારો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. નાગરિકતા માટે અનેક પ્રયત્નો કર્યા પછી હવે જઈને નાગરિકતા મળી છે. દીકરી વિદેશ રહેતી હોવાથી નાગરિકતાના અભાવે તેને મળવા પણ જઈ શકતો નહોતો. CAA કાયદો આવ્યા બાદ આ કાયદા અંતર્ગત અરજી કર્યા બાદ ગત એપ્રિલ ૨૦૨૫માં મને નાગરિકતા મળી. નાગરિકતા મળતા પાસપોર્ટ પણ મેળવી શક્યો અને વિદેશ રહેતી દિકરીને પણ મળી શક્યો.”
નાગરિકતા મેળવનાર શ્રી પૂજા અભિમન્યુ વ્યવસાયે એન્જિનિયર છે. પોતાના પ્રતિભાવો વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર માત્ર એક પેપર નથી, આ અમારા માટે બધું જ છે. નાગરિકતા મેળવનાર સૌ પરિવારો કેન્દ્ર સરકારના આભારી છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે CAA કાયદા થકી અમારા જેવા અનેક પરિવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સહાય કરી છે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં નરોડાના ધારાસભ્ય શ્રી ડો. પાયલબેન કુકરાણીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે વિવિધ દેશોમાં માઇનોરીટી કોમ્યુનિટીના લોકોનું વર્ષોથી સતત શોષણ થતું રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં લાગુ કરવામાં આવેલા CAA કાયદા થકી શરણાર્થી નાગરિકોને એમના હકો મળશે અને તેઓ માનભેર જીવન જીવી શકશે. સાથે જ, તેમણે નાગરિકતા મેળવનાર નાગરિકોને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
સેન્સસ ડિરેક્ટર શ્રી સુજલ મયાત્રાએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા સીટીઝનશીપ એક્ટ ૧૯૫૫ અંતર્ગત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના કાયદાની વિગતો આપવા સાથે આ કાયદા અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે સહિત જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમુદાયોના પ્રતિનિધિઓ, સભ્યો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
