Western Times News

Gujarati News

અમદાવાદના આ કલાકાર થ્રેડ આર્ટની મદદથી અદભૂત આર્ટવર્ક તૈયાર કરે છે

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દ્વારા સ્થાનિક સર્જકોને મળ્યું વિશ્વસ્તરનું પ્લેટફોર્મ

થ્રેડ આર્ટના કલાકાર દિલીપભાઈ જગડેથી લઈને જયપુરની બ્લૂ પોટરી, ગાઝીપુરની જ્યુટ હેન્ડમેડ કૃતિઓ અને ફિરોઝાબાદની કાચની બંગડીઓ સુધી—ભારતની વિવિધ કલાઓ અહીં એક જ છત નીચે. સ્વદેશ બ્રાન્ડ પણ લોકલ ક્રાફ્ટને રાષ્ટ્રીય-વૈશ્વિક ઓળખ અપાવવા માટે સક્રિય, કલાકારો પાસેથી સીધી ખરીદી કરીને તેમની મહેનતનું સાચું મૂલ્ય પહોંચાડે છે.

(પ્રતિનિધિ)  અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – 2025-26નું આયોજન 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી દરમ્યાન કરવામાં આવ્યું છે.

આ શોપિંગ ફેસ્ટિવલમાં “સ્વદેશી વીથ ગ્લોબલ અપિલ”ની થીમ અપનાવવામાં આવી છે,જેમાં ભારતભરના સ્વદેશી ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના 6 લોકેશન અને 12 હોટસ્પોટમાં અંતર્ગત સિંધુભવન રોડ પર આવેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં અનેક સ્વદેશી પ્રોડક્ટ્સના સ્ટોલ જોવા મળશે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં થ્રેડ આર્ટના સ્ટોલ પર પોતાની કૃતિઓ વિશે માહિતી આપતા  દિલીપ હરિલાલ જગડે જણાવ્યું કે, તેઓ છેલ્લા 25 વર્ષથી આ કલાને જીવંત રાખી રહ્યા છે. તેઓ અગાઉ ડ્રોઇંગ કરીને પછી પેપર પર હોલ પાડી થ્રેડની મદદથી અદભૂત આર્ટવર્ક તૈયાર કરે છે. આ આર્ટવર્કને તેઓ ફ્રેમ સાથે અને ફ્રેમ વગર બે રીતે આપે છે.

દિલીપભાઈ જણાવે છે કે, “આ મારી થ્રેડ આર્ટ છે. હું 250 GSM પેપર પર પહેલા ડ્રોઇંગ કરું છું, પછી ડિસ્ટન્સ સરખું રાખીને હોલ કરું છું અને ત્યારબાદ થ્રેડથી સ્ટીચિંગ કરું છું. ગ્રાહકની માંગ પ્રમાણે નામ કે ડિઝાઇનને કસ્ટમાઇઝ પણ કરી આપું છું. હું છેલ્લા 25 વર્ષથી આ કામ કરી રહ્યો છું અને અમદાવાદની સી.એન.ફાઇન આર્ટસમાંથી ડિપ્લોમા કર્યો છે.

2019માં મને આ ડિઝાઇન માટે સ્ટેટ એવોર્ડ મળ્યો છે.” દિલીપભાઈએ વધુમાં જણાવ્યું કે, તેઓ થ્રેડ આર્ટમાંથી પેન્ડન્ટ, ઇયરિંગ, કિચેન અને ઘડિયાળ જેવી અનેક પ્રોડક્ટ પણ તૈયાર કરે છે. દરેક પીસ બનવામાં 2 થી 3 દિવસ લાગે છે, તેથી તેઓ એક્સપોર્ટની જગ્યાએ સ્થાનિક ગ્રાહકોને જ સીધી કલા પહોંચાડવાને વધુ મહત્વ આપે છે.

આમ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – 2025-26 દ્વારા “સ્વદેશી વીથ ગ્લોબલ અપિલ”ની ભાવનાને સાકાર કરવાની સાથે સ્થાનિક કલાકારોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો અત્યંત સફળ પ્રયાસ થયો છે. આ ફેસ્ટિવલ શહેરના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને અમદાવાદને એક વર્લ્ડ-ક્લાસ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભું કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.