ટ્રેનમાંથી પડતા પતિના મોત બાદ રેલવેએ મહિલાને શોધીને ૨૩ વર્ષે વળતર આપ્યું
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ અકસ્માતમાં પતિ ગુમાવનારી વિધવાને શોધીને રેલવે દ્વારા રૂ.૯ લાખનું વળતર આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨માં ભાગલપુર-દાનપુર ઈન્ટરસિટી એક્સપ્રેસમાંથી અકસ્માતે પડી જતાં મહિલાના પતિનું મોત થયું હતું.
આ મામલે વિધવાએ વળતર માટે અરજી કરી હતી, પરંતુ રેલવે ટ્રિબ્યુનલ અને પટણા હાઈકોર્ટમાંથી નિરાશા સાંપડી હતી. સુપ્રીમ કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપી રૂ.૮.૯૨ લાખ વળતર ચૂકવવા રેલવેને આદેશ આપ્યો હતો.
રેલવે દ્વારા મહિલાને વળતરના નાણાં ચૂકવાયાં હોવાની રજૂઆત સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે નોંધ્યુ હતું કે, ગરીબ વ્યક્તિના ચહેરા પરનું સ્મિત આપણા માટે સાચું વળતર છે, અન્ય કોઈ અપેક્ષા નથી. બેન્ચના અન્ય જજ જોયમલય બાગચીએ કહ્યું હતું કે, ઉંમરલાયક મહિલાને શોધવાનું કામ ખૂબ અઘરુ હતું.
મહિલાએ પોતાનું ઘર બદલ્યુ હતું અને બિહારના અંતરિયાળ ગામમાં રહેવા જતી રહી હતી. મહિલાના અગાઉના વકીલનું નિધન થઈ જતાં છેલ્લું સંપર્ક સૂત્ર પણ છીનવાઈ ગયુ હતું. રેલવે વિભાગ અને કોઈ પણ ફી લીધા વગર વિધવા માટે પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ ફૌજિયા શકિલની સુપ્રીમ કોર્ટે પ્રશંસા કરી હતી. કોર્ટે નોંધ્યુ હતું કે, મહિલાને ૨૩ વર્ષ બાદ મળનારું વળતર સુનિશ્ચિત થાય તે માટે એડવોકેટે નિઃશુલ્ક સેવા આપી હતી.
સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રની મદદથી તેણે મહિલાનું હાલનું સરનામુ શોધ્યુ હતું અને રેલવેએ વળતર આપ્યું હતુ. કોર્ટે વિધવા અરજદારને શોધવા માટે ૬ ઓક્ટોબરે રેલવેને નિર્દેશ આપ્યા હતા. જેના પગલે રેલવેએ પોતાના કર્મચારીને મોકલી મહિલાના પાન કાર્ડ, આધારકાર્ડ જેવી વિગતો મેળવી ૧૩ નવેમ્બરે બેંક ખાતામાં વળતરના રૂ.૮,૯૨,૯૫૩ જમા કરાવ્યા હતા.SS1MS
