Western Times News

Gujarati News

સાઈબર ફ્રોડની રકમ નાખી ઠગાઈ કરતા પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ , આણંદ શહેરમાં રહેતી એક મહિલાના બેંક એકાઉન્ટમાં સાઈબર ફ્રોડની રકમ નાંખી ઠગાઈ કરનાર ગેંગને આણંદ સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી હતી. આ બનાવ અંગે સાઈબર ક્રાઈમ પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ રૂ.૧૩.૩૮ લાખની ઠગાઈનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ શહેરમાં આવેલા પ્લેનેટ રેસીડેન્સી બિસ્મીલ્લા સોસાયટી ખાતે અફસાના મહંમદઅઝમલ મેમણ રહે છે.

તેણીએ આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીનું બંધન બેંકમાં બેન્ક એકાઉન્ટ છે. ગત નવેમ્બર, ૨૦૨૪માં તેમના મામાસસરાના દીકરા સૈફઅલી યુસુફ પુંજાણી આવ્યો હતો અને તેણે તેના લગ્ન થવાના હોઇ અને તેના નાણાંકીય વ્યવહારો કરવાના હોવાથી એક બેંક એકાઉન્ટની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી તેણે અફસાના મેમણનું બેંક એકાઉન્ટ માંગ્યું હતું. સંબંધી હોઇ તેમણે પોતાનું બેંક એકાઉન્ટ આપ્યું હતું.

બીજી તરફ થોડા સમય બાદ કુલ છ ટ્રાન્ઝેક્શન થકી રૂ.૩ લાખ જમા થયા હતા. એ પછી બીજા રૂ.૧૬ હજાર પણ તેમના એકાઉન્ટમાં જમા થયા હતા.આ અંગે અફસાના તેને પૂછે એ પહેલાં જ સૈફઅલીએ તેમને તેણે જ પૈસા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું અને આ પૈસા તેણે ઉપાડીને સાહિલ ઉર્ફે બકરી નઝીર વ્હોરાને આપવા કહ્યું હતું. આમ, સૈફઅલીના કહેવા પ્રમાણે તેમણે બેંકમાંથી પૈસા ઉપાડીને સાહિલને આપ્યા હતા.

દરમિયાન, થોડા દિવસ બાદ મહિલાએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા જ તેમના બેંક એકાઉન્ટમાંથી કોઈ નાણાંકીય વ્યવહાર થયા નહોતા. જેને પગલે તેમણે બેંકમાં તપાસ કરી હતી.

જેમાં તેમને જાણવા મળ્યું હતું કે,તેમના બેંકમાં રૂપિયા ૩.૧૬ લાખનું નાણાકીય વ્યવહાર થયા હતા તે સાઈબર ફ્રોડના પૈસા હતા. આ અંગેની ફરિયાદ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં નોંધાઈ છે.જોકે, આ બાબતે તેણીએ સૈફઅલીને કહેતા જ તેણે ફ્રીઝ એકાઉન્ટ અનફ્રીઝ કરી દેવાની બાંહેધરી આપી હતી.

પરંતુ આજદિન સુધી એકાઉન્ટ અનફ્રિઝ જ રહ્યું હતું. વધુમાં તપાસ કરતા બે શખ્સ ઉપરાંત વસીમ ઉસ્માનગની વ્હોરા, ફૈયાઝ સલીમ વ્હોરા અને કામીલ ઉસ્માન વ્હોરાએ પણ આ પ્રકારના અલગ-અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાઈબર ફ્રોડ થયેલા કુલ રૂ. ૧૩.૩૮ લાખ રૂપિયાના અલગ-અલગ વ્યક્તિઓના બેંકમાં નાણાં નંખાવી તેમની સાથે ઠગાઈ કરી હતી.

અફસાના મેમણે આ બનાવ અંગે આણંદ સાઈબર ક્રાઈમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય શખ્સ વિરૂદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તેમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.