બીજી ટી૨૦માં આફ્રિકા સામે ભારતનો ૫૧ રને પરાજય
મુલ્લાનપુર, દક્ષિણ આફ્રિકાના સામે બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારતનો બેટિંગમાં ધબડકો થતા ૫૧ રનથી પરાજય થયો હતો. શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે સહિતના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ ડાબોડી ઓપનર ક્વિન્ટન ડી કોક (૯૦)ની આક્રમક બેટિંગની મદદથી નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે ૨૧૩ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૧૯.૧ ઓવરમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી તિલક વર્માએ સર્વાધિક ૬૨ રનની ઈનિંગ્સ રમી હતી. મેન ઓફ ધ મેચ ડી કોકે આઈપીએલ હરાજીમાં છેલ્લી ઘડીએ પોતાનું નામ સામેલ કર્યું હતું. ત્યારબાદ તેણે બીજી ટી૨૦માં આક્રમક રમતનું પ્રદર્શન કરીને આઈપીએલની તમામ ટીમોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યો હતો.
આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ પાંચ ટી૨૦ મેચની સિરીઝમાં ૧-૧ની બરાબરી કરી હતી.ભારત માટે ઈજામાંથી કમબેક કરનાર ઓપનર શુભમન ગિલનું કંગાળ ફોર્મ વધુ એક વકત માથાનો દુઃખાવો સાબિત થયું હતું. ગિલ મેચની પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર જ સ્લિપમાં કેચ આઉટ થયો હતો અને તે ખાતું ખોલાવી શક્યો નહતો. ડાબોડી બેટ્સમેન અભિષેક (૧૭) મોટી ઈનિંગ્સ રમી શક્યો નહતો.
ત્રીજા ક્રમે અક્ષરને આગળ બેટિંગમાં ઉતારવામાં આવ્યો જે ૨૧ બોલમાં તેટલા જ રન કરીને પેવેલિયન પરત ફર્યાે હતો. સૂર્યકુમાર (૫) વધુ એક વખત નિષ્ફળ રહ્યો હતો અને તેણે ખરાબ શોટ રમીને વિકેટ ફેંકી દીધી હતી. તિલક (૬૨) તથા હાર્દિકે (૨૦) પાંચમી વિકેટ માટે ૫૧ રન જોડ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન જિતેશે ૨૭ રન કરીને તિલકનો સાથ આપવા પ્રયાસ કર્યાે હતો પરંતુ આળિકાના બોલર્સ હાવી રહેતા ભારતે અંતિમ ચાર વિકેટ ફક્ત પાંચ રનમાં ગુમાવી હતી. બાર્ટમેને ૧૯મી ઓવરમાં શિવમ દુબે (૧), અર્શદીપ (૪) અને વરૂણ (૦૦) એમ ત્રણ વિકેટ ખેરવતા ભારતનો પરાજય નિશ્ચિત લાગતો હતો.
એન્ગિડીના બોલ પર શોટ ફટકારવા જતા તિલક લોંગ ઓન પર માર્કરમના હાથે કેચ આઉટ થતા ભારતની ઈનિંગ્સ સમેટાઈ ગઈ હતી. બાર્ટમેને સર્વાધિક ચાર વિકેટ લીધી હતી. યાનસેન, સિપામ્લા અને એન્ગિડીએ બે-બે વિકેટ ખેરવી હતી. ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ લીધી હતી. ક્વિન્ટન ડી કોકે ૪૬ બોલમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૯૦ રન ફટકારીને પોતાનું ગુમાવેલું ફોર્મ પરત મેળવી લીધું હતું.
પાવરપ્લેમાં વરૂમ ચક્રવર્તીએ આફ્રિકાના ઓપનર રીઝા હેન્ડ્રિક્સ (૮)ની વિકેટ ઝડપી હતી. ત્રીજા ક્રમે બેટિંગમાં સુકાની એઈડન માર્કરમ આવ્યો હતો. તેણે ૨૬ બોલમાં એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકારીને ૨૯ રન કર્યા હતા. માર્કરમ અને ડી કોક વચ્ચે બીજી વિકેટ માટે ૮૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. ડોનોવાન ફેરેરાએ ૩૦ રનની અણનમ ઈનિંગ્સ રમીને સ્કોર ૨૦૦ને પાર પહોંચાડ્યો હતો. ડેવિડ મિલર ૨૦ રન કરીને અણનમ હતો.
ભારત તરફથી વરૂણ ચક્રવર્તીએ બે અને અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી. ભારતના મુખ્ય પેસ બોલર્સ બુમરાહ અને અર્શદીપની બોલિંગ ખાસ પ્રભાવી રહી નહતી. ભારતને છેલ્લી ૧૦ ઓવરમાં ૧૨૩ રન આપવા ભારે પડ્યા હતા.SS1MS
