સસ્તા સોનાના નામે ગાંધીનગરના વેપારી સાથે રૂ.૨.૧૦ કરોડની ઠગાઈ
આણંદ, હાલ ગાંધીનગર રહેતા અને સોનું પહેરવાના શોખીન એવા મૂળ ચૈન્નાઈ નજીક રાયપુરમના વેપારીને આણંદના નાપાની ઠગ ટોળીએ સસ્તા ભાવે સોનું આપવાના બહાને કુલ ૨.૧૦ કરોડની માતબર રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. નાપામાં ફાર્મ હાઉસ ખાતે બોલાવીને ચામાં ઘેનયુક્ત પદાર્થ ભેળવીને બેભાન કરી ઠગ ટોળકી ફરાર થઈ જતાં બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ઘરી છે.
ગાંધીનગર ખાતે રહેતા મુકેશ સુબ્રમણ્યમ નાયડુ અનંત એજ્યુકેશન નામથી એડમીશન કેરિયર કાઉન્સીલ ચલાવતા હતા. ત્રણેક વર્ષ પહેલા સીલ્વર ઓક યુનિવર્સિટી, ગોતા, અમદાવાદ ખાતે કચ્છ ખાતે રહેતા મહેન્દ્રસિંહ રાજપુત સાથે ઓળખાણ થઈ હતી. મુકેશભાઈને સોનું પહેરવાનો શોખ હોય, મહેન્દ્રસિંહે નાપા ખાતે રાજુભાઈ પટેલ નામનો મારો મિત્ર છે, તેમનો વર્ષાેથી સોનાનો ધંધો છે, જેઓ સસ્તા ભાવે સોનું આપશે તેમ જણાવીને વિશ્વાસમાં લીઘા હતા.
ગત ઓકટોબર મહિનામાં મુકેશ નાયડુએ નવું ઘર લેવા માટે રુ. ૪૯ લાખની લોન લીધી હતી. જેમાંથી થોડા રુપિયા વધ્યા હતા. એટલે આ નાણાં સોનામાં રોકવાનું તેમણે વિચાર્યું.ઓક્ટમ્બર-૨૫મા મકાન લેવા માટે ૪૯ લાખની લોન લીઘી હતી.
તેમાંથી થોડા પૈસા વધતા સોનું લેવાની ઈચ્છા થતાં ગત તારીખ ૧૯-૧૦- ૨૫ના રોજ રાજુભાઈનો સંપર્ક કરતા તેણે ૧૦૦ ગ્રામ સોનાનો બીસ્કીટનો ૧૨.૨૫ લાખ થસે તેમ જણાવ્યું હતુ. જેથી તેઓ નાપા ખાતે આવ્યા હતા અને સોનાનુ બીસ્કીટ ખરીદ્યું હતુ. ત્યારબાદ અવારનવાર સોનાના બિસ્કીટ માટે બોલાવીને પાંચ લાખ ટોકન લઈને અગાઉ આપેલા પૈસા બચાવવા હોય અને સોનું જોઈતુ હોય તો વધુ રકમ આપીને સોદો કરવો પડશે. આમ જણાવીને મુકેશભાઈ નાયડુ પાસેથી જુદા-જુદા આંગડીયા પેઢી પાસેથી ૮૫ લાખ ટ્રાન્સફર કરાવી લીઘા હતા.
ત્યારબાદ બાકીના ૨૮ લાખ માટે તારીખ ૨૨-૧૧- ૨૦૨૫ના રોજ મુકેશભાઈ અને તેમની પત્નીને નાપા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા. જ્યાં ચાચા નામના વ્યક્તિએ મુબઈની પાર્ટીની ઓળખ આપીને ૨૮ લાખ લઈ લીઘા હતા અને ૬૦૦ ગ્રામ સોનાના બીસ્કીટ આપવાનું નાટક કર્યું હતુ.
ત્યારબાદ દંપતીને ચામાં ઘેની પદાર્થ પીવડાવી દેતાં બન્ને બેભાન થઈ ગયા હતા.એ સાથે જ તમામ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભાનમાં આવ્યા ત્યારે ત્યાં હાજર શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપીને રેઈડ પડી છે તેમ જણાવીને દંપતીને ડરાવીને ધમકાવીને ત્યાંથી ભગાડી મુક્યા હતા.
મુકેશભાઈએ સોનું કે પૈસાની માંગણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહેન્દ્રસિંહે બે વખત ૫૦- ૫૦ હજાર રૂપિયા ગુગલ પે થી મેળવી લીઘા હતા. આ અંગે મુકેશભાઈએ બોરસદ રૂરલ પોલીસમથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આણંદ એલસીબીનો સોંપવામાં આવી છે. જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને તમામને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS
