Western Times News

Gujarati News

૭૦ લાખની વીમા પોલિસી માટે પુત્રએ પિતાની હત્યા કરાવી

રાજકોટ, ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે આખા પ્રકારણનું રહસ્ય ખોલી નાખ્યું હતું.

આ કિસ્સામાં મૃતકના સગા પુત્રએ જ ઇઝરાયલ જવા માટે રૂ. ૭૦ લાખની વીમા પોલિસી પકવવા કાવતરૂં રચ્યું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગઇ તા. ૯ના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માતમાં કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉં. ૫૦)નું મૃત્યુ થયાની જાણ થતાં ભાયાવદર પોલીસ ટીમ ત્યાં પહોંચી તો મૃતક કાનાભાઇની લાશ અને બાઈક વાડીએ પડયા હતા અને ત્યાં સગો ભત્રીજો વિરમ ભૂતપભાઇ જોગ હાજર હતો, જેણે કાકાને અકસ્માત થતાં પોતે વાડીએ લાવ્યાનું કહ્યું, પણ પોલીસને શંકા ઉપજી હતી.

બાદમાં કથિત અકસ્માત સ્થળે જઈને નિરીક્ષણ કરતા વાહન અકસ્માતને લગતા કોઇ નિશાન દેખાયા નહોતા. આ શંકાસ્પદ બનાવ મામલે ભાયાવદરના પીઆઈ પરમારની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા, આખરે હકીકત જણાઇ આવી કે, સગા ભત્રીજા વિરમ ભૂપતભાઇ જોગએ જ તેના કાકાની હત્યા કરી છે. જેથી આગવીઢબે પુછતાછ કરતા મૃતકના સગા દીકરા રામદે કાનાભાઇ જોગ સાથે મળીને કાવતરૂ રચી હત્યા બાદ તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યાની કબુલાત આપી હતી.

પોલીસે બન્નેની ધરપકડ કરીને વધુ પુછપરછ કરતા કબુલ્યું કે, પુત્ર રામદેને ઇઝરાયેલ દેશમાં નોકરી કરવા માટે જવું હતું અને તેના માટે ૧૬ લાખ રૂપિયા ખર્ચ થતો હોવાથી પૈસાની શોધમાં હતો.આ દરમિયાન તેને ખબર પડી કે, એકાદ વર્ષ પહેલા તેના પિતાએ વીમો ઉતરાવ્યો હતો, જેમાં મૃત્યુ થાય તો ૬૦-૭૦ લાખ રૂપિયા મળે તેમ હતા. વળી, હાલ બીજું વીમા પ્રિમિયમ ભરવાનો સમય પણ થઇ ગયો હતો.

જેથી તેણે મોટા બાપુના દીકરા વિરમ ભૂપતભાઇ જોગને એક લાખ રૂપિયા આપવા અને તે જીવે ત્યાં સુધી ભોજન-ખર્ચ આપવાની લાલચ આપી હતી. વિરમના પાંચેક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતા અને પોતે એકલો જ રહેતો હોવાથી કાકાની હત્યા માટે તૈયાર થઈ ગયો હતો અને બન્નેએ પૂર્વાયોજીત કાવતરું ઘડીને હત્યાને અંજામ આપ્યા બાદ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યાે હતો.

ગઇ તા. ૮ના રોજ રામદેએ ઉંદર મારવાની દવા તથા ઇતરડી જેવી જીવાતો મારવાની દવા લઇને મોટાબાપુના દીકરા વિરમને આપી હતી, જે તેણે સિફતપૂર્વક કાકા કાનાભાઇને બપોરના સમયે વાડીએ લઇ જઇ ઠંડા પીણા સાથે પીવડાવી દીધી હતી. પરંતુ કાનાભાઈને ઉલ્ટી થઈ જતાં નશીબજોગે મૃત્યુ થયું નહોતું.

જેથી પુત્ર રામદેએ કુહાડી વડે તેના પિતાને મારી નાખવા માટે પિતરાઈ ભાઈ વિરમને કહ્યું હતું. જેને અંજામ આપવા તા. ૯ના રોજ વિરમ પોતાના કાકાને ઘરેથી બાઈકમાં બેસાડીને વાડીએ લઇ ગયો હતો. જયાં દારૂ પીવડાવીને ઓરડીમાં સુવડાવી કુહાડી વડે માથામાં મરણતોલ ઘા મારી હત્યા કરી નાખી હતી. બાદમાં પુત્ર રામદેના કહેવાથી વાહન અકસ્માતનો બનાવ બન્યો છે તેવી ખોટી હકીકત પોલીસ તથા અન્ય લોકોને કહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.