ગૃહિણીએ વોટ્સએપ પર પાર્ટ ટાઈમ જોબની લાલચમાં આવી 43,800 રૂપિયા ગુમાવ્યા
મહિલાએ ગૂગલ પે મારફતે અબ્દુલ શાહિદ (ABDUL SAHID) નામના આઈડી પર 800 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા-વિશ્વાસ સંપાદિત થયા બાદ ફરીથી ગણેશ શર્માના આઈડી પર 10,000 રૂપિયા અને છેલ્લે અભિષેક વિજયવાર (ABHISHEK VIJAYWAR) નામના આઈડી પર 30,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલી વિશ્વાસમાં લીધા બાદ ગૂગલ પે મારફતે પાંચ તબક્કે લાખોની રકમ પડાવી લેવાતા પોલીસ ફરિયાદ નોંધાઈ
નડિયાદ, હાલના સમયમાં ઓનલાઇન જોબ અને વર્ક ફ્રોમ હોમની લાલચ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા નાગરિકો સાથે છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. જેમાં એક વધુ બનાવવામાં કપડવંજ ખાતે રહેતી એક ગૃહિણીને પણ વોટ્સએપ પર પાર્ટ ટાઈમ જોબની ઓફર આપી, ટેલિગ્રામ એપ્લિકેશન પર લઈ જઈને પ્રોસેસના બહાને કુલ રૂપિયા 43,800ની ઓનલાઇન છેતરપીંડી આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર મહિલાએ આ અંગે સાયબર હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ વાપીના અને હાલ કપડવંજની સિલિકોન સોસાયટીમાં રહેતા 31 વર્ષીય સનાફાતેમા અમીનઉદ્દીન અંસારી ઘરકામ કરે છે. ગત તારીખ 30/11/2025ના રોજ તેમના મોબાઈલ નંબર પર વોટ્સએપ દ્વારા એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં પાર્ટ ટાઈમ જોબ માટે ઓફર આપવામાં આવી હતી. મહિલાએ તૈયારી દર્શાવતા તેમને ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવાયું હતું.
ટેલિગ્રામ પર જોઈન થયા બાદ ગઠિયાઓએ તેમને આગળના ટાસ્ક માટે પ્રોસેસ કરવા અને તે માટે અમુક રકમ ચૂકવવી પડશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. શરૂઆતમાં મહિલાએ ગૂગલ પે મારફતે અબ્દુલ શાહિદ (ABDUL SAHID) નામના આઈડી પર 800 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ સાયબર ગઠિયાઓએ પ્રોસેસ આગળ વધારવાના બહાને ક્રમશઃ પૈસાની માંગણી ચાલુ રાખી હતી. જેમાં મહિલાએ ગણેશ શર્મા (MR Ganesh sharma) નામના આઈડી પર પહેલા 1000 રૂપિયા અને ત્યારબાદ 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વિશ્વાસ સંપાદિત થયા બાદ ફરીથી ગણેશ શર્માના આઈડી પર 10,000 રૂપિયા અને છેલ્લે અભિષેક વિજયવાર (ABHISHEK VIJAYWAR) નામના આઈડી પર 30,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ, અજાણ્યા શખ્સોએ અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂપિયા 43,800 પડાવી લીધા હતા.
પોતાના બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ટ્રાન્સફર થયા બાદ અને સામેથી કોઈ વળતર ન મળતા પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતા મહિલાએ તુરંત જ 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. અજાણ્યા વોટ્સએપ ધારક તેમજ અલગ અલગ યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ટ્રાન્જેક્શન વિગતો અને મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.
