અમદાવાદના 16 જુના બ્રીજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 16 જેટલા જૂના બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ માટે બ્રિજ પરથી ભારે વાહન પસાર ન થાય તે માટે રિસ્ટ્રીકટેડ હાઈટ બેરિયર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવા માટેનું રૂ. 2.89 કરોડનું સિંગલ ટેન્ડર આવ્યું હોવાથી રિ-ટેન્ડરીંગ કરવામાં આવનાર છે.
આમ, આ પ્રક્રિયા પુર્ણ થયા બાદ હાઈટ બેરિયર લગાવાશે, જેના કારણે ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં. 16 બ્રિજ પર 28 જેટલા રીસ્ટ્રીકટેડ હાઈટ બેરિયર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 બ્રિજ પર એક અને 12 બ્રિજ પર 2 હાઈટ બેરિયર લગાવાશે. આ ઉપરાંત શહેરના અન્ય બ્રિજ પર લોડીંગ વહન કરવાની ક્ષમતા દર્શાવતા ડિઝાઈન કેપેસિટી અંગેના ઈન્ફોરમેટરી સાઈન બોર્ડ લગાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટનાને ધ્યાને રાખીને અમદાવાદ શહેરમાં આવેલા જૂના બ્રિજ પર ભારે વાહન પસાર ન થાય તે માટે શહેરમાં આવેલા નદી ઉપરના જુના બ્રિજ, જૂના રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ ઉપરથી ભારે લોડીંગ વાહનો પસાર ન થાય તે માટે રિસ્ટ્રીકટેડ હાઈટ બેરિયર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે રૂ. 3.54 કરોડના અંદાજ સાથે ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું. જોકે, રૂ. 2.89 કરોડનું સિંગલ ટેન્ડર આવતા હવે આ કામનું રિ- ટેન્ડરીંગ કરવાનું નક્કી કરાયું છે. જેથી રિ-ટેન્ડરીંગ બાદ આ અંગેનું કામ આગામી કમિટીની બેઠકમાં મુકવામાં આવશે.
શહેરમાં આવેલા તમામ બ્રિજ પર બ્રિજની લોડીંગ વહન કરવાની ક્ષમતા દર્શાવતા ડિઝાઈન કેપેસીટી અંગેના ઈન્ફોરમેટરી સાઈન બોર્ડ લગાવવાની તેમજ જૂના બ્રિજ પર રિસ્ટ્રીક્ટેડ હાઈટ બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે. જેમાં સ્ટ્રક્ચરલ સ્ટીલ- ફેબ્રિકેશનની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં આવેલા બ્રિજમાં જો બ્રિજ પર લાઈટના પોલ છેડા ઉપર ન હોય તેવા બ્રિજમાં પોલ ઉભા કરી ઉત્તરાયણ તહેવાર નિમિત્તે તાર બાંધવાની કામગીરી કરવામાં આવશે.
નોંધનીય છે કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાથી ગુજરાત સરકારના ઠરાવના મુજબ તથા તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હાઈકોર્ટ તથા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજ પર બ્રિજની લોડીંગ વહન કરવાની ક્ષમતા દર્શાવતા સાઈન બોર્ડ લગાવવાની સુચના આપી હતી.
ઉપરાંત મ્યુનિ. કમિશનર દ્વારા પણ પ્રોજેક્ટ રિવ્યુ મિટીંગમાં શહેરમાં આવેલા જુના બ્રિજ પર રિસ્ટ્રીક્ટેડ હાઈટ બેરિયર લગાવવાની કામગીરી તાકીદે કરવા સુચના આપી હોવાથી આ પ્રકારના ટેન્ડર કરવાની જરૂરીયાત થતાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
