અમદાવાદમાં ૮ લોકો પર કપિરાજનો હુમલો! બચકા ભરી માંસના લોચા બહાર કાઢી નાંખ્યા
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓની સમસ્યા હજુ યથાવત છે, ત્યાં જ હવે કપિરાજના ઝુંડે નવા નરોડા વિસ્તારમાં આતંક મચાવ્યો છે. હાલ કપિરાજના આતંકની સૌથી તાજેતરની ઘટના નવા નરોડા વિસ્તારમાં આકાશગંગા રોડ પર આવેલા રાધે બંગ્લોઝની બાજુમાં બની હતી. છેલ્લા બે દિવસમાં એક જ ઝુંડના આક્રમક વાંદરાઓએ ૮થી વધુ લોકો પર હુમલો કર્યો છે, જેમાં મોટા ભાગના લોકોના પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.
તાજેતરમાં અમદાવાદના નવા નરોડા વિસ્તારની ઘટના અંગે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અહીં કપિરાજ સીધો માણસ પર તૂટી પડ્યો હતો. આ હુમલામાં કપિરાજે પગ અને હાથમાં બચકા ભરીને માંસનો લોચો બહાર કાઢી નાખ્યો હતો. જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
અમદાવાદ શહેરમાં આવી ઘટનાઓ માત્ર એક-બે નથી. છેલ્લા ૪૮ કલાકમાં નવા નરોડા, નિકોલ અને આસપાસના વિસ્તારોમાં ૮થી વધુ લોકો કપિરાજના હુમલાનો શિકાર બન્યા છે. મોટા ભાગના કેસમાં વાંદરાઓએ હાથ-પગ પર જ નિશાન સાધ્યું છે અને ગંભીર ઘા પહોંચાડ્યા છે. કેટલાક દર્દીઓએ જણાવ્યું કે “એટલો બધો લોહી વહેતું થયું કે દ્રશ્ય જોઈને આંખો બંધ કરી લેવી પડી.”
હાલ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં કપિરાજના આતંકથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. મહિલાઓ અને બાળકો બપોર પછી ઘરની બહાર નીકળવામાં ડરે છે. શહેરમાં રખડતા ઢોર-શ્વાનના ત્રાસની ઘટનાઓ તો પહેલેથી જ યથાવત છે, ત્યારે હવે કપિરાજના આતંકની પણ ઘટનાઓ વધી રહી છે, ત્યારે લોકોએ રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને પાલિકા તંત્ર ઊંઘતું નજરે પડી રહ્યું છે.
આ બધા વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકા પર સીધા સવાલો ઊભા થયા છે. રખડતા પશુઓ અને કૂતરાઓ માટે પણ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી, ત્યાં હવે કપિરાજની સમસ્યા પણ ઉગ્ર બની છે. જેથી સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર પર રોષ ઠાલવી વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી અને પાલિકા તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે લોકોને માત્ર સલાહ આપે છે કે વાંદરાઓને ચીડવવા કે ખોરાક આપવાનું ટાળે.
આ અંગે અમદાવાદની સ્થાનિક જનતાનો સવાલ એક જ છે – “આટલા હુમલા થયા પછી પણ તંત્ર ક્યારે જાગશે?” ત્યારે હાલ આ મુદ્દે અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ અને વન વિભાગના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ત્યારે શહેરીજનોનો જીવ જોખમમાં મુકીને ચાલતી આ સમસ્યાનો ઝડપી ઉકેલ આવે તે જરૂરી બન્યું છે.
