સાયન્સ સિટી વિસ્તારના પરિશ્રમ કોમ્પલેક્ષમાં આગ લાગતા પ૦ને બચાવાયા
અમદાવાદ, અમદાવાદના સાયન્સ સીટી એરીયામાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને બચાવવાની કામગીરી કરાઈ રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે.
જેમાં લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડની ૮થી ૧૦ ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતા
ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં ૫૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા છે. લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેઓને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. કોમ્પ્લેક્સના ત્રીજા માળે લોકો ફસાયા હતા. તેમને કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતા.
