Western Times News

Gujarati News

કફ સીરપ મામલે EDની મોટી કાર્યવાહી

ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા

(એજન્સી)અમદાવાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આંતરરાષ્ટ્રીય કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.ઈડીએ આ ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદોના ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં કુલ ૨૫ સ્થળોએ દરોડા પાડ્યા છે.

અહેવાલો અનુસાર, ઈડીએ આલોક સિંહ અને અમિત ટાટા જેવા મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.અમદાવાદ, ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર અને ઝારખંડ રાંચીમાં દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે, લખનઉમાં બરતરફ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ આલોક સિંહના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ સિન્ડિકેટ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક છે, જે ગેરકાયદે રીતે કોડીન ધરાવતા કફ સિરપ (જેમ કે ફેન્સેડિલ અને કોરેક્સ)ની સ્મગલિંગ કરે છે. આ સિરપને માદક દ્રવ્ય તરીકે બાંગ્લાદેશ અને નેપાળમાં મોકલવામાં આવે છે અને ત્યાં ઊંચા ભાવે વેચવામાં આવે છે. આ કેસની શરૂઆત મધ્ય પ્રદેશમાં બાળકોના મૃત્યુથી થઈ હતી અને તેનું નેટવર્ક ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફેલાયેલું છે.

વર્ષ ૨૦૨૫માં મધ્ય પ્રદેશના ગુના અને વિદિશામાં કોડીન સિરપના કારણે થયેલા બાળકોના મૃત્યુએ આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ દુબઈમાં ફરાર છે, જ્યારે અમિત સિંહ ટાટા અને બરતરફ કોન્સ્ટેબલ આલોક સિંહની ધરપકડ થઈ ચૂકી છે. આ આરોપીઓના પૂર્વાંચલના શક્તિશાળી નેતા, ધનંજય સિંહ અને સુશીલ સિંહ સાથે પણ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એ અત્યાર સુધીમાં ૮૭ એફઆઈઆર દાખલ કરી છે અને અનેક ધરપકડ કરી છે. ઈડી દ્વારા એનડીપીએસ એક્ટ, બીએનએસ અને મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. મંગળવારે આલોક સિંહ અને અમિત ટાટાને સીજેએમ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં હવે તેમની જામીન અરજી પર ૨૨મી ડિસેમ્બરે સુનાવણી થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.