૨૦૨૭થી દેશભરમાં વસતી ગણતરી: મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરાશે
પ્રથમ તબક્કો ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ: બીજો તબક્કો ફેબ્રુઆરી-૨૭માં
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે (૧૨ ડિસેમ્બર, ૨૦૨૫) ત્રણ મોટા નિર્ણયો લીધા. જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૭ની વસતી ગણતરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેના માટે રૂ.૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર કરાયું. બીજો નિર્ણય કોલસા અથવા ઉર્જા ક્ષેત્રમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. ત્રીજો ખેડૂતોને લગતો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ૨૦૨૭ની વસતી ગણતરી પ્રથમ ડિજિટલ વસતી ગણતરી હશે. વસતી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. બીજો તબક્કો ફેબ્રુઆરી ૨૦૨૭માં વસતી ગણતરી હશે. ૩૦ લાખ કર્મચારીઓને કામે લગાડાશે.
પ્રથમ વખત ડિજિટલ વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે. આ એપ્લિકેશન હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે.
કેન્દ્રીય મંત્રીમંડળે ઉર્જા ક્ષેત્રમાં પણ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, કોલ સેતુ એટલે કે ભારત કોલસાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે, જેનાથી આયાત પરની નિર્ભરતા દૂર થશે. આનાથી ૬૦ હજાર કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. ૨૦૨૪-૨૫માં ૧ અબજ ટન કોલસાનું ઉત્પાદન થશે.
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૭ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર દેશમાં પ્રક્રિયાઓનું મોનિટરિંગ અને વ્યવસ્થાપન કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકો પોતે તેમની માહિતી ઓનલાઈન ભરી શકશે, જ્યારે ફિલ્ડ અધિકારીઓ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરશે.
વસ્તી ગણતરીની નિર્ધારિત પદ્ધતિ મુજબ, દરેક વ્યક્તિની માહિતી તે સ્થળે નોંધવામાં આવશે જ્યાં તે ગણતરીના સમયગાળા દરમિયાન હાજર હશે. આ સિસ્ટમ ૨૦૨૭માં પણ જાળવી રખાશે. આ ઉપરાંત, વ્યક્તિનું જન્મસ્થળ, છેલ્લું નિવાસસ્થાન, વર્તમાન સ્થળે રહેવાનો સમયગાળો અને સ્થળાંતરનું કારણ જેવી પ્રવાસન સંબંધિત માહિતી પણ ડિજિટલ રીતે નોંધવામાં આવશે.
મંત્રી રાયે એ પણ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં પ્રશ્નાવલીને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રાજપત્રમાં સૂચિત કરવામાં આવશે. આ પ્રક્રિયા પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને તમામ રાજ્યો તેમજ એજન્સીઓને સમયસર તૈયારી કરવાની તક આપવા માટે અનિવાર્ય છે.
સરકારનું માનવું છે કે ડિજિટલ વસ્તી ગણતરીના કારણે ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે, ભૂલોની શક્્યતા ઘટશે અને અંતિમ રિપોર્ટ અગાઉની તુલનામાં વધુ ભરોસાપાત્ર તથા સમયસર ઉપલબ્ધ થઈ શકશે.
નિષ્ણાતોના મતે, ડિજિટલ માધ્યમથી થયેલી આ વસ્તી ગણતરી ભવિષ્યના નીતિ નિર્માણ, શહેરી આયોજન, સ્થળાંતરના વલણો અને સામાજિક-આર્થિક સર્વેક્ષણોને વધુ સારી રીતે સમજવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારતની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૧ માં થઈ હતી અને ૨૦૨૧ની વસ્તી ગણતરી કોવિડ-૧૯ મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ સંજોગોમાં ૨૦૨૭ની ડિજિટલ વસ્તી ગણતરીને દેશના વસ્તી વિષયક ચિત્રને નવા સ્વરૂપમાં સમજવાની દિશામાં એક મોટી છલાંગ માનવામાં આવી રહી છે.
