વીમા ક્ષેત્રે ૧૦૦% એફડીઆઈના બિલને કેબિનેટની મંજૂરી
નવી દિલ્હી, દેશમાં વીમાના વ્યાપમાં વધારો કરવાના પ્રયાસના ભાગરૂપે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદાને હાલની ૭૪ ટકાથી વધારી ૧૦૦ ટકા કરવાના બિલને મંજૂરી આપી હતી. આ બિલ સંસદના ચાલુ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે સપ્ટેમ્બર ૨૦૨૬થી બે તબક્કામાં વસતી ગણતરી હાથ કરવાની દરખાસ્તને શુક્રવારે બહાલી આપી હતી.
આ કવાયત માટે ૧૧,૭૧૮ કરોડના ભંડોળની ફાળવણી કરાઈ છે. અન્ય અનેક નિર્ણયો કેબિનેટની બેઠકમાં લેવાયા હતા.લોકસભાના બુલેટિનમાં જણાવ્યા મુજબ વીમા કાયદા (સુધારા) બિલ ૨૦૨૫નો સંસદના ચાલુ સત્ર માટે સૂચિબદ્ધ ૧૩ બિલમાં સમાવેશ થાય છે. આ વીમા બિલનો હેતુ વીમાના વ્યાપમાં વધારો કરીને આ ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવાનો તથા બિઝનેસની સરળતામાં વધારો કરવાનો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વીમા કાયદા (સુધારા) બિલ, ૨૦૨૫, સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.આ વર્ષના બજેટ પ્રવચનમાં નાણામંત્રી નિર્મલા સીતારામને નવી પેઢીના ફાઇનાન્શિયલ સેક્ટર સુધારાના ભાગરૂપે વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદાને હાલના ૭૪ ટકાથી વધારી ૧૦૦ ટકા કરવાની દરખાસ્ત કરી હતી. દેશના વીમા ક્ષેત્રમાં અત્યાર સુધી ૮૨,૦૦૦ કરોડનું સીધુ વિદેશી રોકાણ આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સૂચિત બિલ અનુસાર વીમા કંપનીએ ટોચના મેનેજમેન્ટમાં ઓછામાં ઓછા એક ભારતીય નાગરિકને સ્થાન આપવું જોઇએ. આ હોદ્દો ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અથવા સીઈઓ જેવો હોવો જોઇએ. કેબિનેટે વીમા કંપનીઓ માટે નેટવર્થના નિયમોને જાળવી રાખ્યાં છે.SS1MS
