Western Times News

Gujarati News

સસ્તા સોનાના નામે આણંદના મોગરીના ખેડૂત સાથે રૂ.૨.૯૨ કરોડની છેતરપિંડી

આણંદ, આણંદના તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલ આણંદના મોગરી ગામમાં રહીને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ થઈ છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના મોતીપુરા (આનંદપુરા)ના ત્રણ શખ્સોએ સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી હતી. રૂ. ૨.૯૨ કરોડ મેળવી લઇ બનાવટી સોનાના બિસ્કીટ આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.

તારાપુર તાલુકાના આદરૂજ ગામમાં રહેતા ૩૩ વર્ષીય ભરતભાઈ ભનાભાઈ ભરવાડ હાલમાં આણંદના મોગરી ગામમાં પરિવાર સાથે રહે છે અને ખેતી કરે છે. ભરતભાઈ ભરવાડને જાન્યુઆરી-૨૦૨૪માં અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના મોતીપુરા (આનંદપુરા) ખાતે રહેતા વિપુલ ઉર્ફે મુખી લક્ષ્મણભાઇ ભરવાડ, મેહુલ લક્ષ્મણભાઇ ભરવાડ અને વિક્રમ ગોરાભાઈ ભરવાડે સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાનું જણાવ્યું હતું.

જેથી લાલચમાં આવી ગયેલા ભરતભાઈ ભરવાડે વિપુલભાઈ, મેહુલભાઈ અને વિક્રમભાઈની વાતોમાં ભરોસો મૂક્યો હતો. આ ત્રણેય શખ્સોએ ભરતભાઈ સાથે ઠગાઈ કરવાના ઇરાદે પહેલા બે સોનાના સાચા બિસ્કીટ આપી વિશ્વાસ અને ભરોસો જીતી લીધો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ વધુ ૫ કિલો સોનાના બિસ્કીટ આપવાનો વિશ્વાસ અપાવી ભરતભાઈ પાસેથી અલગ અલગ સમયે રૂ .૨.૯૨ કરોડની રકમ પડાવી લીધી હતી.

ત્યારબાદ ત્રણેય શખ્સો વિપુલ, મેહુલ, અને વિક્રમ ભરવાડે ભેગા મળી ૧૦૦-૧૦૦ ગ્રામ વજનના ૧૦ ખોટા સોનાના બિસ્કીટ સાચા હોવાનું કહીને આપી દીધા હતા. જેની ભરતભાઈએ ખાતરી કરાવતા સોનાના બિસ્કીટ બનાવટી નીકળ્યા હતા અને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવ્યુ હતુ. જેથી ભરતભાઈએ પોતાના પૈસા પરત માંગણી કરતા મેહુલ અને વિક્રમ ભરવાડે મોતની ધમકીઓ આપી હતી.

ભરતભાઈ ભરવાડે તારાપુર પોલીસમાં વિપુલ ઉર્ફે મુખી લક્ષ્મણભાઈ ભરવાડ, મેહુલ લક્ષ્મણભાઈ ભરવાડ અને વિક્રમ ગોરાભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ આણંદ એસઓજી કરી રહી છે.

આણંદ જિલ્લામાં જુદી જુદી રીતે છેતરપિંડી અને ઠગાઈ કરનારી કેટલીક ગેંગ સક્રિય બની છે. જિલ્લામાં બે દિવસમાં સસ્તા સોનાના નામે બે વ્યક્તિ પાસેથી રૂ.૫ કરોડ ઉપરાંતની ઠગાઈની બે અલગ અલગ ફરિયાદ બોરસદ રૂરલ અને તારાપુર પોલીસમાં નોંધાઈ છે.

જેમા બોરસદ રૂરલ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં ગાંધીનગર-અડાલજ રોડ વિસ્તારમાં રહેતા વેપારીને બોરસદના નાપા ગામના બે શખ્સો અને કચ્છના એક શખ્સ ઉપરાંત અન્ય સાગરીતો સાથે મળી બે મહિનાના સમય ગાળામાં સસ્તા ભાવે સોનુ આપવાના નામે રૂ. ૨.૧૦ કરોડ પડાવી લઈ ઠગાઈ કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.