મહેસાણાના બાદલપુરાના પરિવારને લીબિયામાં બંધક બનાવી ખંડણી માગી
મહેસાણા , મહેસાણાના મેઉ નજીક આવેલા બાદલપુરા ગામનું દંપતી ગત ૨૯ નવેમ્બરે ત્રણ વર્ષની બાળકી સાથે પોર્ટુગલ જવા નીકળ્યું હતું પરંતુ ગત એક ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ મોકલવાને બદલે લીબિયામાં લઈ જઈ બંધક બનાવી લેવાયું છે.
બંધકોને છોડાવવા માટે એક કરોડથી વધુ ખંડણી માગવામાં આવતાં બંધકના પરિજનો ચિંતામાં મુકાઈ ગયા છે. તેમણે મહેસાણા કલેક્ટરને મળી અપહ્યુતોને છોડાવવા મદદ માગી છે. આ અંગે મળતી માહિતી મુજબ, બાદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન પોતાની ૩ વર્ષની દીકરી દેવાંશી સાથે પોર્ટુગલમાં જવા માટે ગત ૨૯મી નવેમ્બરના રોજ નીકળ્યા હતા. તેઓ એક ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા.
જોકે, આ દંપતીને છેતરીને પોર્ટુગલ મોકલવાને બદલે લીબિયા મોકલી દીધા હતા. આ પરિવારને લીબિયામાં બંદી બનાવાયા છે અને સૂત્રો મુજબ આ ત્રણેયને એકબીજાથી અલગ કરી દીધા છે.
ગત ચોથી તારીખે અપહરણકર્તાઓએ ૫૪ હજાર યુએસ ડોલરની માંગ કરાઈ હતી તેમજ અલગ-અલગ નંબરોથી એક કરોડ જેટલી ખંડણી પણ માગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અપહ્યત યુવાનનો ઓડિયો સામે આવ્યો છે જેમાં તેમને યાતનાઓ આપવામાં આવી રહી હોવાનું કહી રહ્યો છે. મુશ્કેલીમાં મુકાયેલા કિસ્મતસિંહ ચાવડાના પરિજનોએ આ અંગે મહેસાણા કલેક્ટરની મુલાકાત કરી રજૂઆત કરી અપહ્યત પરિવારને બચાવી લેવા મદદ માંગી છે.SS1MS
