Western Times News

Gujarati News

૫ લાખ પક્ષીઓના વસવાટ ‘નડાબેટ’ને ‘રામસર’ જાહેર કરાતો નથી

અમદાવાદ, રાજ્ય અને દેશના વિવિધ વેટલેન્ડ્‌સના સંવર્ધન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે રિટની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠ સમક્ષ થઇ હતી.

જેમાં નડાબેટના સંદર્ભમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, પાંચ લાખ પક્ષીઓનું વસવાટ ધરાવતાં ‘નડાબેટ’નો ૯૦ ટકા ભાગ ભારતમાં હોવા છતાં તેને સંરક્ષિત ‘રામસર સાઇટ’ જાહેર કરાતો નથી. જ્યારે ૧૦ ટકા ભાગ ધરાવતાં પાકિસ્તાને ૨૦૦૨માં ‘નડાબેટ’ને રામસર સાઇટ જાહેર કરી દીધી છે.

આ મામલે સુનાવણીના અંતે ખંડપીઠે રાજ્ય સરકારના વન્ય વિભાગના ચીફ સેક્રેટરીને તમામ મુદ્દે વિસ્તૃત સોગંદનામું કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યાે છે. આ કેસની વધુ સુનાવણી ૩૦મી જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે. કેસની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, નળસરોવર, થોળ અને નડાબેડની મુલાકાત લઇ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

જ્યાં સુધી નડાબેટની વાત છે એ ૧૦ ટકા પાકિસ્તાનમાં અને ૯૦ ટકા ભારતમાં છે. ૨૦૦૨માં પાકિસ્તાને તેને સંરક્ષિત રામસર સાઇટ જાહેર કરી છે. જોકે, ભારતમાં ન તો એને સંરક્ષિત જાહેર કરાઇ છે અને ન તો રામસર સાઇટ. પાંચ લાખ યાયાવર પક્ષીઓ દુનિયાભરમાંથી અહીં આવે છે, અહીં માનવનો કોઇ હસ્તક્ષેપ ન હોવાથી તેઓ અહીં લાંબો સમય વસવાટ કરતાં હોય છે, પરંતુ સરકાર દ્વારા એને રામસર સાઇટ જાહેર કરીને સંરક્ષિત કરવામાં આવતું નથી.

અમદાવાદની નજીક આવેલા પક્ષી અભયારણ્ય નળસરોવરની પરિસ્થિતિ અત્યંત દયનીય હોવાની રજૂઆત કરતાં એડવોકેટે દલીલ કરી હતી કે, આ વેટલેન્ડ ખૂબ વિશાળ છે અને એને સંરક્ષિત રાખવા માટેની એક શરત એ છે કે એમાં ક્યાંય બહારથી પાણી લાવવું જોઇએ નહીં.

કુદરતી પાણીથી જ એ ભરાવું જોઇએ અને ખાલી થવું જોઇએ, પરંતુ નળસરોવરમાં નર્મદાનું પાણી ખેંચીને લાવવામાં આવે છે, તેથી આ રામસર સાઇટ પર ફ્લેમિંગો આવતાં બંધ થઇ ગયા છે. આ જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટના આદેશોના પગલે દાખલ કરવામાં આવી હતી.’

આ કેસમાં એડવોકેટે રજૂઆત કરી હતી કે, રાજસ્થાન તરફથી લૂણી નામની એક નદી આવે છે. જેનું પાણી વરસાદી પાણી સિવાય નડાબેટ સુધી આવતું હોય છે, પરંતુ અહીં મોટા પ્રમાણમાં સોલર પેનલો ગોઠવી દેવામાં આવી છે. જેના પગલે વેટલેન્ડ લગભગ મૃતપ્રાયઃ અવસ્થામાં આવી શકે છે.

દર વર્ષે નડાબેટમાં પાંચ લાખથી વધુ યાયાવર પક્ષીઓ આવે છે. જો સોલર પેનલ લગાવી દેવામાં આવશે તો પક્ષીઓ આવતાં બંધ થઇ જશે. વેટલેન્ડનો અર્થ જ એ છે કે એમાં વરસાદનું કુદરતી પાણી ભરાય અને ઊનાળામાં એ પાણી સૂકાઇ જવું જોઇએ.

જેથી આ કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે પક્ષીઓને તેમનો આહાર મળી રહે. જો તમે નદીનું પાણી આ વેટલેન્ડમાં ભરો તો એનો પ્રકાર જ બદલાઇ જાય. સરકાર દ્વારા ટુરિઝમને વેગ આપવા માટે આ વેટલેન્ડને ગમે એ ભોગે ભરી દેવામાં આવે છે. આ રીતે ટુરિઝમ અને રામસર બંને એકસાથે ચાલી શકે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.