નવેસરથી રીલિઝ પહેલાં શોલેને ફરી સેન્સર કરાવવી પડી
મુંબઈ, ભારતીય સિને જગતની ઓલટાઈમ બ્લોકબસ્ટર અને આઈકોનિક ગણાતી ફિલ્મ ‘શોલે’ને ફરી થિયેટરોમાં રજૂ કરવામાં આવી છે. જોકે, આ રીલિઝ પહેલાં તેને ફરી સેન્સર બોર્ડમાં સર્ટિફિકેટ માટે મોકલવી પડી હતી. મૂળ ‘શોલે’ ફિલ્મ ત્રણ કલાક અને દસ મિનીટ લાંબી હતી પરંતુ રી રીલિઝ થયેલી ‘શોલે’ ત્રણ કલાક અને ૨૯ મિનીટ લાંબી છે. ફિલ્મમાં ઓરિજિનલી ત્રણ સીન શૂટ કરાયા હતા જે એડિટિંગ ટેબલ પર કપાઈ ગયા હતા.
હવે રીરીલિઝ વર્ઝનમાં આ ત્રણ સીન સામેલ કરાયા છે. મૂળ ફિલ્મનો ક્લાઈમેક્સ એવો શૂટ કરાયો હતો કે છેલ્લે ઠાકુર ગબ્બરને મારી નાખે છે. જોકે, તે વખતે દેશમાં ઈમરજન્સી હોવાથી સેન્સર બોર્ડે આ ક્લાઈમેક્સ સામે વાંધો લીધો હતો. સેન્સરે કહ્યું હતું કે એક પોલીસ ઓફિસર રહી ચૂકેલી વ્યક્તિને આ રીતે કાયદો હાથમાં લેતી ન બતાવી શકાય. આથી રમેશ સિપ્પીએ નાછૂટકે ઠાકુર ગબ્બરને પોલીસને સોંપી દે છે એવો ક્લાઈમેક્સ રાખવો પડયો હતો.
જોકે, હવે રીરીલિઝ વખતે સેન્સરે મૂળ ક્લાઈમેક્સ સામે વાંધો લીધો નથી. આથી આ ફિલ્મ ઓરિજિનલ શૂટ થયેલા ક્લાઈમેક્સ સાથે રજૂ કરવામાં આવી રહી છે. અલબત્ત હાલ થિયેટરોમાં ચાલી રહેલી ‘ધુરંધર’ પણ બહુ લાંબી ફિલ્મ હોવાથી થિયેટર સંચાલકો બે-બે લાંબી ફિલ્મોનો સ્લોટ કેવી રીતે એરેન્જ કરવો તે બાબતે ગૂંચવાયા છે. તેના કારણે રી રીલિઝમાં ‘શોલે’ને ધારી સંખ્યામાં સ્ક્રીન મળ્યાં નથી.SS1MS
