હાઈ લેવલ બ્રિજ ઉપર સ્ટેજીંગ નમી જવાના બનાવમાં ઈજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો
ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે: બનાવમાં કોઇ જાનહાનિ નહીં
વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર હાઈલેવલ બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ ઉપર સ્ટેજીંગ નમી જવાનો બનાવ બનતા માર્ગ અને મકાન પેટા વિભાગ–વલસાડના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીએ ઈજારદાર રોયલ ઈન્ફ્રા એન્જિનીયરીંગ પ્રા.લિ.ને ખુલાસો કરવા તાકીદ કરી હોવાનું કાર્યપાલક ઇજનેર વલસાડ દ્વારા જણાવાયું છે.
કાર્યપાલક ઇજનેર ના જણાવ્યા અનુસાર, આ બ્રિજમાં પીયર ક્રમાંક પી–૧ થી પી–૨ વચ્ચેની સુપરસ્ટ્રકચરની કામગીરીમાં ત્રણ ગર્ડર હતા, જેનું શટરીંગ થયું હતું. જેમાં સાઇટ ઇજનેર દ્વારા ગર્ડરની હોરીઝોન્ટલ લાઇનલેવલ માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી, જે મુજબ તા.૧૨.૧૨.૨૦૨૫ના રોજ સવારે શ્રમિકો જેકની મદદથી ગર્ડરના સ્ટેજીંગને ઇજારદારના સાઇટ ઇજનેરના નિરીક્ષણ હેઠળ લાઇન લેવલ કરી રહ્યા હતા.
જરૂરિયાત કરતા જેક વધુ ઉંચુ થતા ગર્ડર સ્લીપ થયું. જેના કારણે સરતચુકથી સ્ટેજીંગ પડી ગયું હતું. જેમાં ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી. ઇજારદાર દ્વારા પુલના બાંધકામનું તથા દરેક શ્રમિકોનું ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યું છે, જે મુજબની કાર્યવાહી કરાશે. ઇજારદાર દ્વારા વધુ ઈજાગ્રસ્ત શ્રમિકને રૂ. બે લાખ તથા સામાન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોને રૂ.એક લાખનું વળતર સ્વખર્ચે અપાયું છે.
આ બનાવ માનવચૂકના કારણે બન્યો છે, જે અંગે માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા ઇજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરવામાં આવી છે.
વધુમાં માર્ગ અને મકાન વિભાગ સારા અને ગુણવત્તાયુક્ત કામો કરવા માટે કટિબદ્ધ છે. અને આ ઘટના જેવી અન્ય ઘટના ન બને તે માટે વધારે કાળજી દાખવવામાં આવશે એમ મકાન વિભાગ–વલસાડની યાદીમાં જણાવાયું છે.
