યુવા એક્ટરની ફાંસો ખાઈ આત્મહત્યા-ઘરે બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો
પ્રતિકાત્મક
મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથ કેરળમાં પોતાના ઘરે બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો
તિરુવનંતપૂરમ, મલયાલમ એક્ટર અખિલ વિશ્વનાથનું ગુરૂવારે (૧૧ ડિસેમ્બર) નિધન થયું છે. ૩૦ વર્ષીય એક્ટર કેરળમાં પોતાના ઘરે બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અખિલ વિશ્વનાથ સનલ કુમાર શશિધરનની ફિલ્મ “ચોલા” માં જોવા મળ્યો હતો, જેને ૨૦૧૯ માં કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તે “ઓપરેશન જાવા” સહિત ઘણી અન્ય ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. એક્ટરના અચાનક મૃત્યુથી અખિલના પરિવાર અને ચાહકો આઘાતમાં છે.
અખિલના પિતાનો તાજેતરમાં જ અકસ્માત થયો હતો અને તેઓ હાલમાં સારવાર હેઠળ છે. તેના પિતા, જે એક ઓટો-રિક્ષા ચલાવતા હતા, તેમનો ત્રણ મહિના પહેલા અકસ્માત થયો હતો. એક કારે તેમની રિક્ષાને ટક્કર મારી હતી. ત્યારથી અખિલ વિશ્વનાથના પિતા પથારીવશ છે. તેમની માતા, ગીતા, કોડલી વ્યાપારી એકોપના સમિતિ (વ્યાપરભવન) માં કામ કરે છે.
અહેવાલ અનુસાર, અખિલ વિશ્વનાથની માતા ગીતા કામ પર જવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેણે તેના દીકરાને ફાંસી પર લટકતો જોયો. અખિલ કોટ્ટલીમાં એક મોબાઈલ ફોનની દુકાનમાં મિકેનિક તરીકે કામ કરતો હતો. જોકે, તેણે થોડા સમય માટે કામ પર જવાનું બંધ કરી દીધું હોવાનું કહેવાય છે.
અખિલના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે, તપાસ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ તેના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહ્યા છે. અભિનેતાઓ, ક્રૂ સભ્યો અને અખિલ સાથે કામ કરનારા અન્ય લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
દિગ્દર્શક સનલ કુમાર શશિધરને ફેસબુક પર લખ્યું, “અખિલની આત્મહત્યાના સમાચાર હૃદયદ્રાવક છે. તે ગરીબીના ઊંડાણમાંથી ઉગીને ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યો. ‘ચોલા’ નામની ફિલ્મ તેમના માટે મલયાલમ સિનેમામાં અભિનેતા તરીકે પ્રવેશવા માટે પૂરતી હતી. પરંતુ એવું ન થયું. તે ફિલ્મ દ્વારા પોતાની પ્રતિભા સાબિત કરનાર યુવાન સહિત ઘણા લોકોની ભવિષ્યની આશાઓ અંધકારમાં ડૂબી ગઈ.
મને વિશ્વાસ નથી થતો કે અખિલે આત્મહત્યા કરી. હું જાણું છું કે તે એક એવી ફિલ્મ પર કામ કરવાની તૈયારી કરી રહ્યો હતો જેનું શૂટિંગ તાજેતરમાં શરૂ થવાનું હતું. અખિલ, હું ખૂબ જ દુઃખી છું. મને આ મૃત્યુનું કારણ ખબર નથી, પરંતુ જે લોકોએ તમારી સાથે અનેક લોકોનું ભવિષ્ચ અંધકારમય બનાવ્યું છે, તેમનું લોહી તમારા લોહીમાં છે. તમારી આત્માને શાંતિ મળે. તમારૂ પ્રેમ ભર્યું સ્મિત મને ફરી સ્પર્શે.’
