સિડનીના બોન્ડી બીચ પર યહુદીઓ પર હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો-11 મોત
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં અંધાધૂંધ ફાયરિંગ, ૧૧ના મોત -એક વ્યક્તિએ હુમલાખોરને પકડી લીધો હતો, ત્યાર બાદ તેને ગોળી મારી દીધી
સિડની,રવિવારે ઓસ્ટ્રેલિયાના સૌથી જાણીતા સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૧ લોકો માર્યા ગયા હતા. ઘટનાની માહિતી મળતાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો, લોકોને દૂર રહેવા અને સલામત સ્થળોએ આશ્રય લેવાની વિનંતી કરી હતી.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે બોન્ડી બીચ પર પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પોલીસ તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા અને સૂચનાઓનું પાલન કરવાની સ્પષ્ટ સલાહ આપી હતી.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અનેક ગોળીબારના અવાજો સંભળાયા હતા. જો કે, શરૂઆતમાં તે સ્પષ્ટ નહોતું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું છે કે નહીં. સિડની મોર્નિગ હેરાલ્ડે ઘણા પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગોળીબારના અવાજો સંભળાયા હતા, જેના કારણે બીચ પરના લોકો ગભરાઈને ભાગવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં લોકો બોન્ડી બીચ પર દોડતા દેખાય છે, જ્યારે ગોળીબાર અને પોલીસ સાયરનના અવાજો સાંભળી શકાય છે. જો કે, આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. કાળા કપડાં પહેરેલા બે લોકો ગોળીબાર કરતા જોવા મળે છે. અનેક લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા છે.
દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના કાર્યાલયે જણાવ્યું છે કે સરકાર પરિસ્થિતિથી વાકેફ છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે બોન્ડી વિસ્તારમાં સક્રિય સુરક્ષા સ્થિતિ છે અને લોકોએ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવું જોઈએ.
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર રવિવારે થયેલા ફાયરિંગનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ હુમલાખોરને પકડી લીધો હતો. ત્યાર બાદ તેને ગોળી મારી દીધી હતી. જો કે તેમ છતાં હુમલાખોર ભાગતો રહ્યો હતો.
હુમલાખોરને પકડનાર શખ્સ હવે સોશિયલ મીડિયા પર હીરો બની ગયો છે. લોકો તેની બહાદુરીના ખૂબ વખાણ કરી રહ્યાં છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા છે. એક હુમલાખોરને પણ ઘટના સ્થળે ઠાર મરાયો છે. જ્યારે બીજો ઘાયલ થયો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હુમલાખોર એક ઝાડને ઢાલ બનાવીને બંદૂક દ્વારા લોકો પર આડેધડ ફાયરિંગ કરી રહ્યો છે. આ દરમિયાન એક વ્યક્તિ હુમલાખોરને પકડવા માટે હિંમત ભેગી કરી. ધીમી ધીમે હુમલાખોરને ખબર ન પડે તેમ તેની તરફ દોડે છે અને તેને પાછળથી પકડી લે છે. પછી તેની બંદુક આંચકીને તેના પર ઘણાં રાઉન્ડ ફાયરિંગ કરે છે.
ત્યાર બાદ હુમલાખોર ઘાયલ થઈ જાય છે, પરંતુ તેમ છતાં તે ભાગે છે. આ દરમિયાન રાઇફલમાં સંભવતઃ ગોળીઓ પૂરી થઈ જાય છે. ત્યાર બાદ હુમલાખોરને પકડનાર વ્યક્તિ હથિયારને ઝાડ પાસે રાખી દે છે. અન્ય કેટલાક લોકો હુમલાખોરને પથ્થર મારીને ભગાડતા જોવા મળી રહ્યાં છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આ કાર્યક્રમ યહૂદી સંગઠન ચાબાદ દ્વારા યોજવામાં આવ્યું હતુ.
જેમાં આશરે ૨૦૦૦ લોકો મીણબત્તીઓ પેટાવવા અને ધાર્મિક અનુષ્ઠાન માટે ભેગા થયા હતા. સાંજે આશરે સવા સાત વાગ્યે (સ્થાનિક સમય અનુસાર) અચાનક બે હથિયારબંધ હુમલાખોરે લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળીઓનો અવાજ સાંભળતા જ દરિયાકિનારે અફરાતફરી મચી ગઈ અને સેંકડો લોકો જીવ બચાવા આમ તેમ ભાગવા લાગ્યા.
