સામાજિક સમરસતાની મિશાલ આપતા ગ્રામીણના ઘરે રાત્રી ભોજન લીધું રાજ્યપાલે
પશુપાલક શ્રી ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કરતા રાજ્યપાલ
રાજ્યપાલશ્રીએ ખેડૂતશ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રી ભોજન લઈ સામાજિક સમરસતા આપ્યો દાખલો
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલશ્રીએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને પ્રાકૃતિક ખેતી વિષયો પર વાતચીત કરી હતી.
રાજયપાલશ્રીએ પલોલ ગામના પશુપાલક અને ખેડૂત શ્રી ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કર્યું હતુ. તેમણે ગોપાલભાઈ દ્વારા કરવામાં આવતા ગૌ સંવર્ધનનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેમણે પલોલ ગામમાં પશુપાલન વ્યવસાય બાબતે વાતચીત કરી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં રાજ્યપાલશ્રીએ પલોલ ગામે સામાજિક સમરસતાની મિશાલ આપતા ગ્રામીણ શ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રી ભોજન લીધું હતું. રાજ્યપાલશ્રીને દાળ ભાત, તુવેર પાપડીનું શાક, રોટલી અને દૂધ પીરસવામાં આવ્યું હતું.
ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ વડીલ સહજભાવે પરિવારની વિગતો મેળવી પરિવારના બાળકોને ભણી ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલશ્રીએ આતિથ્ય સત્કાર બદલ પરિવારનો આભાર માન્યો હતો.. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ નટુભાઈના આડોશ પડોશમાં રહેતા લોકો સાથે પણ ચર્ચા કરીને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે મળી સફાઈ કરી હતી. રાજ્યપાલશ્રીએ ઝાડું લગાવી ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો સાથે જ ગામના સફાઈ કર્મીઓનું પણ જાહેરમાં સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ તકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા, આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ વધે તેવું સૂચન કર્યું હતું..
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજે ભણેલા ગણેલા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધવું એ ચિંતાજનક બાબત છે. જો મોટા લોકો સ્વયં સારા કામો કરશે તો નાના બાળકોમાં સુટેવો કેળવાશે.
આચાર્યશ્રી દેવવ્રતજીએ પલોલને સ્વચ્છ ગ્રામ બનાવવા સૌ ગ્રામજનોને કાર્યાન્વિત થવા અપીલ કરી હતી. આ માટે ગામની પ્રત્યેક શેરી દીઠ સ્વચ્છતાની ટુકડીઓ બનાવી આયોજન પ્રમાણે કામ કરવા સૂચન કર્યું હતું.
