કલોલમાં પુત્રની સામે જ લોખંડની પાઈપથી હુમલો કરી પિતાની ઘાતકી હત્યા
પ્રતિકાત્મક
એજન્સી) કલોલ, ગાંધીનગરના કલોલમાં જૂની અદાવતમાં ૫ શખસોએ તલવાર, લોખંડની પાઈપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિની ધાતકી હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક અને તેના મિત્રો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાંચ આરોપી રિક્ષામાં આવીને ઘટનાને અંજામ આપ્યું હતું.
સમગ્ર મામલે કલોલ શહેર પોલીસે પાંચેય આરોપી વિરૂદ્ધમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં શનિવારે (૧૩ ડિસેમ્બર) પુત્રની સામે જ પિતાની તેના જન્મદિવસે ધાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ ગત ૧૦ ડિસેમ્બરના રોજ મૃતક ખેંગાર સવાભાઈ પરમારના મિત્ર અશોકજી ઠાકોરના દીકરાના લગ્ન હોવાથી ઘરની આગળનો રસ્તો થોડીવાર માટે બંધ કરાયો હતો.
જોકે, આ દરમિયાન આરોપી નવીન ઉર્ફે ભાણો અમૃતભાઈ સોલંકી ત્યાંથી બાઈક લઈને નીકળતા ખેંગાર અને નવીન વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી ગત ૧૩ ડિસેમ્બરના રોજ મૃતક તેના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે નવીન ઉર્ફે ભાણો સોલંકી, નયન સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને અમૃતભાઈ સોલંકી એમ કુલ પાંચ આરોપી રિક્ષામાં ઘટનાસ્થળે આવ્યા હતા.
જેમાં સૌપ્રથમ મૃતક ખેંગારને રિક્ષાની ટક્કર મારીને નીચે પાડી દેવામાં આવ્યો હતો અને પછી આરોપી દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવે છે. આ દરમિયાન ખેંગારનો દીકરો ચિરાગ વચ્ચે પડતાં તેને પણ આરોપી દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવે છે. જોકે, ચિરાગ જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો હતો.
હુમલાને અંજામ આપીને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે. તેવામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ખેંગારને સારવાર માટે નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર મામલે આરોપી નવીનના પિતા અમરતએ મૃતક ખેંગારના દીકરા ચિરાગને ઘટના અંગે પૂછતાં ચિરાગે અમરતને તલવારના ઘા ઝીંકીને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ મામલે મૃતકના દીકરા ચિરાગ વિરૂદ્ધમાં પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. મૃતક ખેંગાર વિરૂદ્ધમાં ૧૦ જેટલાં ગુના નોંધાયેલા હોવાનું જણાય છે, ત્યારે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
