મહિલા પોલીસકર્મીએ કેન્સર પીડિત મહિલા માટે કર્યું વાળનું દાન
(એજન્સી)હિંમતનગર, મહિલાની સુંદરતા એના વાળમાં હોય છે અને તેનાથી મહિલાઓ સુંદર લાગતી હોય છે ત્યારે ઈડર તાલુકાના ખોડમ ગામની દામિની પટેલે કેન્સર પીડિત મહિલાઓ માટે સંપૂર્ણ મુંડન કરાવી વાળનું દાન કર્યું છે.
આમ તો દામિની પટેલ સાયબર ક્રાઈમમાં પોલીસની નોકરી કરે છે. તેમની એક મિત્ર અનુબેને આ પ્રકારના વાળનું દાન કર્યું અને તેમને વાત કરી તો તેમણે પણ સંપૂર્ણ વાળ દાન કર્યા છે. દામિની પટેલ માને છે કે લોકો ચીજવસ્તુ કે પૈસાનું દાન કરતા હોય છે ત્યારે તેમને અન્ય મહિલાને સુંદર બનાવવા માટે વાળનું દાન કર્યું છે.
વાળનું દાન સંવેદના, લાગણી સાથે જોડાયેલ છે પણ વાળ તો થોડા સમયમાં પાછા આવી જશે પણ જેને વાળ નથી તેમને દામિની પટેલના વાળ મળશે અને તેમના ચહેરા પર ખુશી આવશે એ દામિની પટેલ માટે મહત્વની વાત છે.
દામિની પટેલે પહેલા વાળ ખરતા હતા અને તેમના પતિ તેમને ટોણા મારતા હતા કે વાળ કપાવી દે અને બે દિવસ પહેલા જ તેમણે પતિને કહ્યું કે હું મારા સંપૂર્ણ વાળ કપાવવા માગું છું અને કેન્સર પીડિત મહિલાઓ માટે દાન કરવા માગું છું.
એક એનજીઓ છે જે વાળ લઈને કેન્સર પીડિત મહિલાઓ માટે વિગ બનાવીને તેમના ચહેરા પર ખુશી લાવે છે તો હું પણ આ દાન કરવા માગું છું. તેમના પતિએ સંમતિ આપી અને બે દિવસ પહેલા જ તેમને તેમના સંપૂર્ણ વાળ કરાવીને એનજીઓને દાન કર્યા છે. દામિની બહેન વાળ કપાવીને પણ ટોપી કે સ્કાફ વગર જાહેરમાં ફરે છે અને અન્ય મહિલાઓને પણ સંદેશો આપે છે કે વાળ આપણા શરીરનો હિસ્સો છે
એને આપણે સહજતાથી સ્વીકારવું જોઈએ અને કોઈ જાતના ટેન્શન કે ડિપ્રેશન વગર ખુલ્લા મને જાહેરમાં ફરવું જોઈએ. એક મહિલા પોતાના સૌંદર્યના પ્રતીક એવા વાળનું દાન કરી અન્ય મહિલાના મુખ પર ખુશી લાવે છે ત્યારે આ મહિલાએ એક અનોખો સંદેશો આપીને ખુલ્લા માથે ટોપી કે સ્કાફ વગર જાહેરમાં ફરે છે અને અન્ય મહિલાઓને પણ આ રીતે દાન આપવા માટે જણાવે છે.
