Western Times News

Gujarati News

૮ મંદિરોમાં આરતી અને પૂજા કરી ચોરી કરતો ચોર પોલીસના હાથે ઝડપાયો

નિલેશ ભગવાનની પૂજા કરવા માટે ફૂલ લઈને બાઈક પર આવતો હતો-ગર્ભવતી પત્નીના દવાના ખર્ચ માટે યુવક બન્યો ચોર

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરીને કૃષ્ણનગર અને માધવપુરામાં મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ભગવાનની પૂજા કરીને ચોરી કરતો શખ્સ પકડાયો છે. અમદાવાદના મંદિરોમાં ભગવાનની આરતી અને પૂજા કરીને ચાંદીની વસ્તુઓની ચોરી કરતો હતો. જોકે, તેની પૂછપરછમાં ખુલાસો થયો કે, ગર્ભવતી પત્નીના દવાના ખર્ચ માટે તે ચોરી કરતો હતો.

આરોપી નિલેશ હસમુખભાઈ આડેસરાની મંદિર ચોરી કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ચોર મંદિરમાં ચોરી કરતા પહેલા ભગવાનની આરતી કરીને પૂજા કરતો હતો અને ત્યાર બાદ મંદિરની કિંમતી વસ્તીઓ ચોરીને ફરાર થઈ જતો હતો. ૬ ડિસેમ્બરના રોજ કૃષ્ણનગરમાં સરદાર ચોક પાસે આવેલા ગોગા મહારાજ મંદિરમાં ચોરીની ઘટના બની હતી.

જેમાં ચોરે ભગવાનની આઠ ચાંદીની મૂર્તિ અને બાર નંગ છત્રીની ચોરી કરી હતી. ચોરની આ તમામ હરકત કરતા સીસીટીવીમાં કેદ થયો હતો. જ્યારે માધવપુરામાં પણ અંબે માતાજીના મંદિરમાં ચાંદીના છતરની ચોરી થઈ હતી. આરોપી નિલેશ ભગવાનની પૂજા કરવા માટે ફૂલ લઈને બાઈક પર આવતો હતો. મંદિરની સામે ભગવાની આરતી કરીને પૂજા કરતો હતો.

ત્યાર બાદ કોઈની હાજરી ના હોય ત્યારે ચોરીને અંજામ આપતો હતો. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આરોપી નિલેશ આડેસરાની ધરપકડ કરીને ચોરીની ચાંદીની મૂર્તિ અને છતર જપ્ત કર્યા છે. આ વિશે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દિપક ઢોલાએ જણાવ્યું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી નિલેશ ઓડેદરા ચાંદલોડીયાનો રહેવાસી છે અને માણેકચોકમાં ઈમિટેશનની જ્વેલરીનું કામ કરતો હતો.

જેના કારણે આરોપી ચાંદીની વસ્તુઓનો જાણકાર હતો. આરોપી નિલેશ ઓડેદરાની પત્ની ગર્ભવતી થઈ હતી. તેની દવાઓ અને ઈલાજનો ખર્ચ વધી રહ્યો હતો. જ્યારે ઈમિટેશન જવેલરીની મજુરીની કમાણીથી પત્નીની દવા અને ઘરનો ખર્ચ નીકળતો નહતો. જેથી આરોપીએ મંદિરમાં ચોરી કરવાનો નિર્ણય લીધો હતો.

અમદાવાદમાં જે મંદિરમાં તાળા નથી લગાવવામાં આવતા અને ઓછા લોકોની અવર જવર હોય તેવા મંદિરની રેકી કરતો હતો અને મંદિરમાં દર્શન તેમજ પૂજાના બહાને પહોંચી જતો હતો. પૂજા બાદ ચાંદીની વસ્તુઓની ચોરી કરતો હતો. આ આરોપીએ જુદા જુદા ૮થી વધુ મંદિરને ટાર્ગેટ કર્યા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં કૃષ્ણ નગર અને માધવપુરામાં થયેલી મંદિર ચોરીનો ભેદ ઉકેલીને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને કૃષ્ણનગર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરે અન્ય કયા કયા મંદિરમાં ચોરી કરી છે અને ચોરીનું વસ્તુઓ કોને આપી છે. તે તમામ મુદ્દે રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.