Western Times News

Gujarati News

શું ગુજરાતના મુખ્યમંત્રી ધોનીની જેમ મી.કુલ છે?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીને તેની સતત હળવાશ માટે ‘મી.કુલ’નું બિરૂદ આપવામાં આપવામા આવ્યું હતું.હવે એ બિરૂદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી શકાય તેવી સ્થિતિ છે.

મુખ્યમંત્રીની વિશેષતા એ છે કે તેઓ કાયમ હળવાફૂલ હોય છે અને બાળકની જેમ ખડખડાટ હસી શકે છે.તાજેતરમા પાલનપુરમાં યોજાયેલ એક સરકારી કાર્યક્રમમાં તેઓએ ભરપૂર હળવાશથી હસતા હસતા કહ્યું કે

‘હું હમણાં કુંવરજીભાઇ (બાવળિયા)ને કહેતો હતો કે અહીં આપણી બે સિવાય બધા જુવાન બેઠા છે અને એમાં અધ્યક્ષ શંકર ચૌધરીનો પણ સમાવેશ થઈ જાય છે’ આટલું કહીને ભૂપેન્દ્ર પટેલ મુક્તપણે હસી પડેલા અને મુખ્યમંત્રીના આ વિધાનથી શંકર ચૌધરી પણ મલકાઈ ઊઠ્‌યા હતા.

ધ્રાંગધ્રાના ભા.જ.પ.ના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો પૂણ્યપ્રકોપ!

ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ એક જાહેર પ્રવચનમાં એવું જણાવ્યું હતું કે ‘અમારામાં ચારિત્ર્યહીન, દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા લોકો આવી ગયા છે’

આ પછી ધારાસભ્યે આ વિધાન કરવા બદલ માફી પણ માંગી હતી અને ‘અમારા’નો અર્થ રાજનીતિ કરાવાનો છે ભા.જ.પ. નહીં એવી સ્પષ્ટતા પણ કરી હતી. આવું કેમ થયું હશે? શક્ય છે કે ‘હૈયાની વાત હોઠે’ આવી ગઇ હોય!

વેસ્ટર્ન ટાઈમ્સની ગાંધીનગર ડાયરીની નોંધનો સકારાત્મક પડઘો પડ્‌યો

અમદાવાદના સંસદ સભ્ય રહી ચૂકેલા તથા અભ્યાસુ અને વિચારક તરીકે પંકાયેલા પુરૂષોત્તમ ગણેશ માવળંકર કહેતા કે ‘સંબંધિતોને વાત પહોંચે છે કે નહીં તેની ચિંતા કર્યા વગર દરેક અખબારે પ્રજા હિતની વાતો લખતાં રહેવી જોઈએ.’

આ સંદર્ભે અમે તા.૧૭/૧૧/૨૫ના ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ના અંકમાં પ્રગટ થયેલ ‘ગાંધીનગર ડાયરી’માં મેટ્રો રેલ સ્ટેશનના બાંધકામને લીધે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પાટનગરના મુખ્ય માર્ગો લાંબા સમયથી બંધ રહેવાને કારણે લોકોને પડતી મુશ્કેલી સંબંધે લખ્યું હતું.

અમને એ જણાવતા ગૌરવ થાય છે કે આ અખબારમાં આવેલ સદરહુ સમાચારનો સકારાત્મક પડ્‌યો છે અને એ વાત પ્રગટ થયા પછી તરત જ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગરના ચ-૫ થી સર્કિટ હાઉસ તરફ જતા મુખ્ય માર્ગને લોકો માટે ખોલી નાખવામાં આવ્યો છે અને બીજા માર્ગો પણ હવે ક્રમશઃ ખોલવામાં આવશે એવું જાણવા મળ્યું છે.આ અખબારના પ્રજાહિત લક્ષી સમાચારનો આવો સુંદર પડઘો પડયો અનો અમને આનંદ છે.

પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સ્મૃતિદોષથી પીડાય છે?

તાજેતરમાં બનાસકાંઠાના ૭થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પ્રાસંગિક પ્રવચન કરવા ઉભા થયા

ત્યારે ધાનેરાના ધારાસભ્યની અટક ભૂલી ગયા અને વારાફરતી માવજી પટેલ,માવજી ચૌધરી અને માવજી દેસાઈ બોલ્યા હતા.આને કારણે ઉપસ્થિત સૌ હસી પડ્‌યા હતા અને એમાં બધાં મહાનુભાવો પણ એમાં જોડાયા હતા.

સરકાર ભાવનગર મહાનગરપાલિકાને ૭ વર્ષથી ટી.ટી.એલ. સાધન કેમ નહીં આપતી હોય?

એક સમાચાર એવા મળ્યા છે કે તાજેતરમાં ભાવનગરમાં લાગેલી આગ વખતે ખ્યાલ આવ્યો કે ભાવેણાના ફાયર બ્રિગેડ પાસે આગમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી શકાય એવા આધુનિક સાધનો જ ન હતા.

આ પાછળનું કારણ એ છે કે ભા.જ.પ.ના શાસનવાળી ભાવનગર મહાનગરપાલિકા છેલ્લાં સાત વર્ષથી ગુજરાત સરકારને કરગરે છે,ભીખ માંગે છે,

કાગળો લખે છે અને ઠરાવો કરે છે તેમ છતાં સરકાર આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેનું ટર્ન ટેબલ લેડર (ટી.ટી.એલ.) સાધન ખરીદવા માટે ગ્રાન્ટ ફાળવતી નથી.

આ સાધન આગ લાગે ત્યારે હાઇડ્રોલીક પ્લેટફોર્મ સાથે ઉંચાઈ પર પહોંચી લોકોને સલામત રીતે નીચે લાવી શકે એવી સગવડ ધરાવતું હોય છે.

આ અંગેની વિગતો એવી છે કે ભાવનગર નગરપાલિકા દ્વારા (૧)ઃ-તા.૧૭-૧૨-૨૦૧૯માં પ્રથમવાર સરકાર સમક્ષ આ ટી.ટી.એલ. સાધન માટે માંગણી કરાઇ હતી એ પછી (૨)ઃ-તા.૨૭-૧૨-૨૦૨૧ અને તા. ૭-૩-૨૦૨૨માં પણ સરકારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી.(૩)ઃ- તા.૧૨-૧૨-૨૦૨૪એ સ્ટેન્ડિંગ. કમિટીએ ખાસ ઠરાવ કરી સરકારને મોકલ્યો અને

(૪)ઃ- તા.૩૧-૭-૨૦૨૫એ ફરી સરકારને કાગળ લખાયો કે આ ટી.ટી.એલ. મશીન માત્ર ભાવનગર જીલ્લામાં જ નહીં બોટાદ જિલ્લા કે અમરેલી જિલ્લામાં પણ જો મોટી આગની દુર્ઘટના સર્જાય તો એ સમયે પણ કામ લાગે એમ છે.પણ ગુજરાત સરકારમાં ભાવનગરના બે પ્રતિનિધિઓ બેઠા હોવા છતાં સરકાર તરફથી આ અંગે કોઈ જવાબ કે મંજૂરી મળતા નથી એ હકીકત છે!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.