પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલે કર્યો રાત્રી વિશ્રામ
સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રી
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામે શ્રી ભુલાભાઇ જોરાભાઈ પટેલ, પે સેન્ટર, પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રી વિશ્રામ કર્યો હતો. સામાન્ય સુવિધાઓ ધરાવતા શાળાના ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ દરમ્યાન રાજ્યપાલશ્રીએ ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામજીવનને નજીકથી જાણવાનો અનુભવ કર્યો હતો.
આજે સવારે વહેલા ઊઠીને રાજ્યપાલશ્રીએ શાળાના ઓરડામાં જ યોગ, પ્રાણાયામ સાથે તેમના દિવસની શરૂઆત કરી હતી. રાજ્યપાલશ્રીએ સવારમાં પ્રાથમિક શાળામાં આવેલા વિદ્યાર્થીઓના કક્ષમાં પહોંચીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ભણી ગણીને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી તેમજ વ્યક્તિત્વ વિકાસ કરી સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા પૂરી પાડી હતી.

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ શાળાના કર્મચારીઓ, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ગ્રામજનોએ રાજ્યપાલશ્રીને ભાવભીની વિદાય આપી હતી.
