ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ અને મૌલિક કોટકની ઉપસ્થિતિમાં ચિત્રલેખાના ૭૫ વર્ષની ઉજવણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ચિત્રલેખાના ૭૫ વર્ષની ઉજવણીમાં સહભાગી થયા
• ચિત્રલેખા ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું બ્રાન્ડ એમ્બેસેડર-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
• ચિત્રલેખા ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનનું પ્રતિબિંબ રહ્યું છે
• સ્વદેશી અભિયાનમાં ચિત્રલેખા જનજાગૃતિ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચિત્રલેખાના ૭૫ વર્ષની ઉજવણીમાં જણાવ્યું હતું કે દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી તેમજ વંદે માતરમની પણ ૧૫૦ વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે ચિત્રલેખાની ૭૫ વર્ષની ઉજવણીનો સુભગ સમન્વય રચાયો છે. ગુજરાતી પરિવારોનું સભ્ય બની ગયેલું ચિત્રલેખા ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનનું પ્રતિબિંબ રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું છે ત્યારે ચિત્રલેખા જનજાગૃતિ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વિકસિત ભારતના નિર્માણ માટે પંચ પ્રણ અને ૧૧ સંકલ્પો બાબતે વાચકોમાં વધારે જાગૃતિ લાવી શકે છે.
મુખ્યમંત્રીશ્રીએ ચિત્રલેખાને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું બ્રાન્ડ એમ્બેસેડર ગણાવીને ગુજરાત બહાર મુંબઈ તેમજ દેશવિદેશમાં તેના પ્રસાર અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો. ચિત્રલેખાએ ઇન્ટરનેટના જમાનામાં પણ પ્રિન્ટ મીડિયાની સર્વોપરિતા જાળવી રાખી છે, એવું ઉમેર્યું હતું.


સમાચાર, સાહિત્ય અને સમીક્ષામાં ચિત્રલેખા સદા અગ્રેસર રહ્યું છે અને સ્પર્ધામાં લોકપ્રિયતા ટકાવી રાખી છે, એવું જણાવી કહ્યું હતું કે આ સામયિકમાં લખનારા શ્રી નગીનદાસ સંઘવી, શ્રી તારક મહેતા અને શ્રી ગુણવંત શાહને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે, એ ગૌરવની વાત છે.
જાણીતા ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ચિત્રલેખાના ૭૫ વર્ષના યોગદાનને બિરદાવીને શતાબ્દી ઊજવવા આશીર્વચન પાઠવ્યા હતા. ભાઈશ્રીએ વજુભાઈ કોટક તેમજ મધુરીબહેનનું યુગલ રાધાકૃષ્ણની યાદ અપાવે છે, એવું ઉમેર્યું હતું.
ભાઈશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સામયિકોના બાળમરણનું પ્રમાણ મોટું છે ત્યારે ચિત્રલેખાએ ૭૫ વર્ષ પૂરાં કર્યાં છે, એ તેની પ્રતિષ્ઠા અને લોકાદરને પ્રમાણિત કરે છે.
આ પ્રસંગે ચિત્રલેખાના ચેરમેન શ્રી મૌલિક કોટકે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ચિત્રલેખામાં યોગદાન આપનારા હરકિશન મહેતા સહિતના લેખકો-પત્રકારોને યાદ કર્યા હતા. શ્રી મનન કોટકે વજુભાઈ અને મધુરીબહેનના સંઘર્ષની સાથે સાથે ચિત્રલેખાની ૭૫ વર્ષની સફરને વર્ણવી હતી. અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા ગાયક શ્રી પાર્થિવ ગોહિલે ગુજરાતી ગીતો ગાઈને સંગીતમય માહોલ સર્જ્યો હતો.
