યુદ્ધના અંત માટે ઝેલેન્સ્કીએ યુક્રેનની નાટોમાં સભ્યપદની માગણી છોડી
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં આશરે ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે હવે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોની સુરક્ષા ગેરંટીના બદલામાં નાટોમાં જોડાવાની તેમના દેશની માગણી પડતી મૂકવાની ઓફર કરી હતી.
જોકે તેમણે રશિયાને પોતાના દેશનો પ્રદેશ સોંપવાના યુએસ દબાણને નકારી કાઢ્યું હતું.રશિયા સાથેનો અંતનો અંત લાવવા માટે જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યાં ત્યારે તેમણે આ ઓફર કરી હતી. બર્લિનમાં યુક્રેન, અમેરિકા અને યુરોપિય અધિકારીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજવાની છે.
ઝેલેન્સ્કી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે પણ બેઠક યોજે તેવી શક્યતા છે. આ બેઠકો પહેલા પત્રકારોના સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને કેટલાંક યુરોપીય દેશોએ નાટોમાં જોડાવાની યુક્રેનની માગણીને નકારી કાઢી છે. તેથી કિવ અપેક્ષા રાખે છે કે પશ્ચિમી દેશો જોડાણના સભ્યોને જેવી સુરક્ષા ગેરંટીઓ આપવામાં આવી છે તેવી યુક્રેનને પણ આપવામાં આવે.
આવી સુરક્ષા ગેરંટીથી રશિયાના વધુ એક આક્રમણને રોકવામાં મદદ મળશે. નાટોના સભ્યપદ અંગે અમે પહેલાથી સમાધાન કર્યું છે. કોઈપણ સુરક્ષા ગેરંટી કાયદેસર રીતે બંધનકર્તા અને યુએસ સંસદ દ્વારા સમર્થિત હોવી જોઈએ.તેમણે કહ્યું હતું કે તેઓ જર્મન ચાન્સેલર ળેડરિક મેર્ઝ અને સંભવતઃ અન્ય યુરોપિયન નેતાઓ સાથે અલગથી મુલાકાત કરશે. અહીં ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ યુદ્ધનો ઝડપી અંત લાવવા માટે દબાણ કરી રહ્યા છે અને તેમાં વિલંબથી ગુસ્સે પણ થઈ રહ્યાં છે.
અમેરિકા ઇચ્છે છે કે યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેને ડોનેત્સ્ક પ્રદેશ રશિયાને સોંપી દેવો જોઇએ. આ પ્રદેશનો મોટાભાગનો વિસ્તાર રશિયન દળોના કબજામાં છે. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પણ યુક્રેન શાંતિ માટેની મુખ્ય શરતોમાં આ વિસ્તાર પર રશિયાના કબજાની માગણી કરી છે. જોકે હજુ સુધી ઝેલેન્સ્કી પોતાના વિસ્તાર છોડી દેવા તૈયાર નથી.SS1MS
