સીરિયામાં આઈએસના આતંકીઓએ યુએસના ૨ સૈનિકો, એક નાગરિકને ઠાર માર્યા
દમાસ્કસ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે શનિવારે સીરિયાના મધ્ય ભાગમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા કરાયેલા ઘાતક હુમલામાં બે અમેરિકી સૈનિકો અને એક અમેરિકી નાગરિકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.સંરક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક વર્ષ પહેલાં સીરિયાના રાષ્ટ્રપતિ બશાર અલ-અસદના પતન બાદ સીરિયામાં અમેરિકી સૈનિકો પર થયેલો આ પહેલો એવો હુમલો છે જેમાં જાનહાનિ થઈ છે.
સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે યુદ્ધ વિભાગની નીતિ અનુસાર, મૃત સૈનિકોની ઓળખ ૨૪ કલાક સુધી જાહેર કરવામાં આવશે નહીં, જેથી તેમના નજીકના સ્વજનોને જાણ કરી શકાય.
હિંસક અથડામણ અથવા ઘાયલ થયેલાઓની હાલત વિશે તાત્કાલિક કોઈ વધુ વિગતો જાહેર કરવામાં આવી નહોતી, એમ સમાચાર સંસ્થા એપી દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં અહેવાલમાં કહ્યું હતું.
સીરિયન રાજ્ય મીડિયા મુજબ, મધ્ય સીરિયાના એક ઐતિહાસિક શહેરની મુલાકાત દરમિયાન અમેરિકી સૈનિકો પર ગોળીબાર થયો હતો, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા.
રાજ્ય સંચાલિત સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે આ ગોળીબાર પાલ્મીરા નજીક થયો હતો અને તેમાં સીરિયાના સુરક્ષા દળોના બે સભ્યો તેમજ કેટલાંક અમેરિકી સૈનિકો ઘાયલ થયા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે આ હુમલાની જવાબદાર ઇસ્લામિક સ્ટેટ સામે અત્યંત ઘાતક બદલો લેવામાં આવશે.” “આ અમેરિકા સામેનો આઈએસનો હુમલો હતો, અને સિરિયાના એક અત્યંત જોખમી વિસ્તારમાં થયો હતો, જે વિસ્તાર પર તેમનો સંપૂર્ણ નિયંત્રણ નથી,” ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું.
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતાં રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે સિરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શારા “આ ઘટનાથી ખૂબ જ વ્યથિત છે” અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સિરિયા આ વિસ્તારમાં અમેરિકી દળો સાથે સહયોગ કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તે આ હુમલા કારણે “અત્યંત ગુસ્સે અને વ્યથિત” છે.SS1MS
