નવા વર્ષના જશ્ન પહેલા ગોવામાં ગેરકાયદે ક્લબો પર તવઈ
ગોવા, ગોવા સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પહેલા સલામતી અને લાઇસન્સિંગ ધોરણોનો ભંગ કરતા નાઇટક્લબો પર કડક કાર્યવાહી ચાલુ કરી છે અને સંખ્યાબંધ નાઇટ ટુરિસ્ટ સ્પોટ સીલ કર્યા છે.
નોર્થ ગોવાના નાઇટક્લબ બર્ચ બાય રોમિયો લેનમાં ભીષણ આગમાં ૨૫ લોકોના મોત પછી સરકારે આ કાર્યવાહી ચાલુ કરી છે.ટુરિઝમ માટે જાણીતું આ રાજ્ય વર્ષના સૌથી વ્યસ્ત ટુરિસ્ટ પખવાડિયાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વિવિધ સરકારી વિભાગોની ટીમોએ કેટલાંક જાણીતા નાઇટ ટુરિસ્ટ સ્પોટને સીલ કરી દીધા છે અને બીજા ઘણા સામે અનિશ્ચિતતાની તલવાર લટકી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર, ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ અને પોલીસના કર્મચારીઓની બનેલી ટીમોએ ખાસ કરીને ઉત્તર ગોવાના પ્રવાસન પટ્ટામાં નાઈટક્લબોની તપાસ ચાલુ કરી છે.તપાસ ટીમનું નેતૃત્વ કરી રહેલા સરકારી અધિકારી કબીર શિરગાંવકરે જણાવ્યું કે અમે તમામ નાઈટક્લબની તપાસ કરી રહ્યાં છીએ. તેમના લાઇસન્સ અને પરવાનગીઓ ચકાસી રહ્યાં છીએ.
કોઈપણ ક્લબ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળશે તો તેને સીલ કરાશે.સત્તાવાળાએ અત્યાર સુધી વાગેટરમાં સ્થિત બે જાણીતા નાઇટક્લબ ગોયા ક્લબ અને કાફે સીઓ૨ ગોવા પર સીલ માર્યું છે.
ગોયા ક્લબ ખેતીની જમીન પર બનાવવામાં આવી હતી, જ્યારે કાફે સીઓ૨ ગોવા પાસે ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગ તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહોતું. ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ વિભાગે ઉત્તર ગોવાના અંજુના ખાતે ડિયાઝ પૂલ ક્લબ એન્ડ બારનું એનઓસી રદ કરવાનો આદેશ આપ્યો હતો.સરકારની કડક કાર્યવાહીને કારણે ઘણી ક્લબો અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે અને બીજી ક્લબો પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે.
તેનાથી બાકીની ક્લબો તેમના ચાર્જમાં મોટો વધારો કરી શકે છે. તેથી ક્રિસમસ કે નવા વર્ષની ઉજવણી માટે ગોવાની સફરનું આયોજન કરી રહેલા લોકોએ વધુ ખર્ચ કરવા માટે તૈયાર રહેવું પડશે.ગોવા અગ્નિકાંડ પછી દિલ્હીમાં ક્રિસમસ-નવા વર્ષની પાર્ટીમાં ફટાકડા ફોડવા પર પાબંધી લાદવામાં આવી છે.
દિલ્હી એક્સાઇઝ વિભાગે નિર્ણય કર્યાે છે કે પાર્ટીની મજામાં સલામતી સાથે કોઈ સમાધાન કરાશે નહીં. વિભાગે તમામ હોટેલ, ક્લબ અને રેસ્ટોરન્ટના માલિકોને કડક ચેતવણી આપી છે કે ફાયર એનઓસી વેલિડ રાખે અને ફાયર સેફ્ટી સિસ્ટમને સંપૂર્ણપણે ચાલુ રાખે. આ ઉપરાંત પરિસરમાં પારંપરિક અને ઇલેક્ટ્રિકલ સહિતના ફટકાડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.SS1MS
