Western Times News

Gujarati News

અમરેલીના વિઠ્ઠલાપુરમાં ખેતી કરતા મજૂર પર સિંહનો હુમલો

અમરેલી, અમરેલીના વિઠ્ઠલપુર ગામની સીમમાં ખેતમજૂર પર સિંહે હુમલો કર્યાે હતો. આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહનું લોકેશન મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમરેલીના વિઠ્ઠલપુરની સીમમાં મધ્યપ્રદેશના વતની કેરમ છીડાભાઈ નાયક ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. તે સમયે અચાનક પાછળથી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યાે હતો. કેરમભાઈએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ સિંહે તેમને કમરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા.

કેરમભાઈની ચીસો સાંભળીને અન્ય મજૂરોએ ચીસાચીસ કરતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના સમયે હાજર અન્ય વ્યક્તિએ જણાવ્યું હતુ કે અમે પાણી વાળી રહ્યાં હતા ત્યારે અચાનક પાછળથી આવી પહોંચેલા સિંહે હુમલો કર્યાે હતો.

સિંહે કમરના ભાગે પકડીને બચકું ભરી લીધું હતું. અમે બૂમાબૂમ કરતાં સિંહ તેમને છોડીને ભાગી ગયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.સિંહના હુમલાની જાણ થતાં લીલીયા રેન્જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી. હાલ વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.