Western Times News

Gujarati News

ભારતની વસ્તી ગણતરી: ડિજિટલ ક્રાંતિ તરફ પ્રયાણ

ઈ-સેન્સસ – વસ્તી ગણતરીનું ડિજિટલ ભાવિ

કેન્દ્ર સરકારે તાજેતરમાં વસ્તી ગણતરી પ્રક્રિયાની જાહેરાત કરીને દેશના વિકાસના આયોજન માટે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે સમગ્ર દેશ ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે.

વસ્તી ગણતરી એ માત્ર આંકડા એકઠા કરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે દેશના સામાજિક-આર્થિક માળખાને સમજવા, વસ્તીવધારાના હકારાત્મક નિયંત્રણ અને ગરીબી કે બેરોજગારી જેવા નકારાત્મક અસરો અંગે વિચાર-વિમર્શ કરીને ભવિષ્યની નીતિઓ ઘડવા માટેનો આધારસ્તંભ છે. આ વખતે, પરંપરાગત પદ્ધતિની સાથે સાથે, સરકારે ઈ-સેન્સસ (e-Census) એટલે કે વસ્તી ગણતરીને ડિજિટલ સ્વરૂપ આપવાની દિશામાં પણ ગતિવિધિ તેજ કરી છે. ભારતના વિશાળ જનસમુદાયની સચોટ વિગતો મેળવવા માટે આ ડિજિટલ અભિગમ કેવી રીતે ક્રાંતિકારી સાબિત થશે, તે જાણવું રસપ્રદ છે.

ઈ-સેન્સસ વડે વસ્તી ગણતરીનું ભાવિ :-

વસ્તી ગણતરી એ સરકાર માટે એક વિશાળ કવાયત છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં સરકાર દ્વારા વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને કયાં પરિબળો ધ્યાનમાં રખાય છે, તે અંગે વિચારવું સ્વાભાવિક છે. ભારત સરકાર આવનારા સમયમાં ઈ-સેન્સસના માધ્યમથી વસ્તી ગણતરી કરવાની દિશામાં આગળ વધી રહી છે. તો ચાલો, વસ્તી ગણતરીની પરંપરાગત પદ્ધતિ અને તેના ભાવિ સ્વરૂપ એવા ઈ-સેન્સસ વિશે વિગતે સમજીએ.

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, 30 લાખ જેટલા કર્મચારીઓ વસ્તી ગણતરીના કાર્યોના સંચાલનમાં ભાગ લેશે. કર્મચારી પોતપોતાના ક્ષેત્રોમાં ઘરેઘરે જઈને જાણકારી એકત્રિત કરશે.

વસ્તી ગણતરીની પરંપરાગત પદ્ધતિ :-

વસ્તી ગણતરીની પરંપરાગત પદ્ધતિમાં ગણતરીકારો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે અથવા પ્રત્યક્ષ મુલાકાત દ્વારા માહિતી એકત્ર કરવામાં આવે છે. આ સર્વેમાં વ્યક્તિનું નામ, ઉંમર, પરિવારના સભ્યો, શિક્ષણ, વ્યવસાય, અને આવક સહિતની વિગતો પૂછવામાં આવે છે. આ માહિતી વિવિધ સવાલો ધરાવતા કાગળ આધારિત ફોર્મમાં ભરવામાં આવે છે.

ભારતમાં આ પદ્ધતિથી છેલ્લે 2011 સુધી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવી છે. આ માહિતી મેળવ્યા બાદ, તમામ ફોર્મ્સને ઝોન વાઇસ ડેટા પ્રોસેસિંગ સેન્ટરોને મોકલીને ત્યાં આ વિગતોને સોફ્ટવેરમાં ફીડ (ડિજિટાઇઝ) કરવામાં આવે છે, જે એક સમય માંગી લેનારી પ્રક્રિયા છે.

ઈ-સેન્સસ: ડિજિટલ વસ્તી ગણતરી :-

આવનારા વર્ષોમાં ભારતમાં વસ્તી ગણતરીને પરંપરાગત પદ્ધતિમાંથી ઈ-સેન્સસ તરફ વાળવાનું લક્ષ્યાંક છે. 2027ની વસ્તી ગણતરી ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી બનશે. આ પહેલીવાર હશે જ્યારે દેશભરમાં આટલી મોટી સંખ્યામાં ડિજિટલ સેન્સસને લાગુ કરવામાં આવશે.

ઈ-સેન્સસ, તેના નામ પ્રમાણે જ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે મોબાઇલ કે ટેબલેટ જેવાં ઉપકરણો વડે કરવામાં આવશે. આ પદ્ધતિમાં કાગળ આધારિત દસ્તાવેજો કે ફોર્મની જરૂર પડશે નહીં.

વસ્તી ગણતરીનો ડેટા એકત્ર કરવા માટે Android અને iOS બંને પ્લેટફોર્મ સાથે સુસંગત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. વસ્તી ગણતરીમાં ઉપયોગમાં લેવાનારા સોફ્ટવેર પણ નવા સ્વરૂપમાં વિકસિત કરવામાં આવશે, જેથી આંકડાઓની સુરક્ષા અને ઝડપથી તેને પ્રોસેસ કરી શકાશે.

સરકારે જણાવ્યું છે કે વસ્તી ગણતરી ડિજિટલ ડિઝાઇન ખાસ કરીને ડેટા સુરક્ષાની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. લોકોની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે.

ઈ-સેન્સસના મુખ્ય ફાયદાઓ :-

પરંપરાગત પદ્ધતિની સરખામણીમાં ઈ-સેન્સસ પદ્ધતિ અનેક મહત્ત્વપૂર્ણ લાભો પ્રદાન કરે છે, જે ગુડ ગવર્નન્સ માટે પાયાનું કામ કરશે:

  • વધુ સચોટ અને સમયસર વિગતો: ડેટા કલેક્શન અને પ્રોસેસિંગની પ્રક્રિયા ઝડપી બનતા સચોટ માહિતી સમયસર પ્રાપ્ત થશે.
  • પોલીસી મેકિંગમાં ઉપયોગીતા: ઝડપથી પ્રોસેસ થયેલો ડેટા સરકારને કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ (Policy Making) ઘડવામાં તાત્કાલિક ઉપયોગી બનશે.
  • સંસાધનોની બચત: કાગળ આધારિત દસ્તાવેજીકરણમાંથી છુટકારો મળતા માનવબળ અને અન્ય સંસાધનોની જરૂરિયાત ઘટશે.
  • ઝંઝટમુક્ત સંચાલન: સરકારી દસ્તાવેજો ઓછા થશે અને તેમને સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
  • યોજનાઓમાં સરળતા: દેશના નાગરિકોની સચોટ ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક વિગતો ઉપલબ્ધ થતાં સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણમાં સરળતા રહેશે.

ભાવિ પ્રયાણ: ડિજિટાઇઝેશન તરફનું પગલું :-

સમગ્ર ડિજિટલ વસ્તી ગણતરી પ્રક્રિયાને વાસ્તવિક સમયમાં સંચાલિત કરવા અને તેની દેખરેખ રાખવા માટે સેન્ટ્રલ સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CMMS) પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વધુ સારા આયોજન અને દેખરેખ માટે, ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા હાઉસલિસ્ટીંગ  બ્લોક (HLB) ક્રિએટર વેબ મેપ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

શરૂઆતમાં, આ પરિવર્તનને સરળ બનાવવા માટે પરંપરાગત વસ્તી ગણતરી પદ્ધતિની સાથે સાથે ઈ-સેન્સસનો સંકલિત પ્રયોગ (Pilot Project) કરવામાં આવી શકે છે. એટલે કે, અમુક વિસ્તારોમાં ડેટા ઈ-સેન્સસના માધ્યમથી લેવામાં આવે, જ્યારે બાકીના ભાગોમાં પરંપરાગત રીતે ફોર્મ ભરીને વિગતો મેળવવામાં આવે. ત્યારબાદ, ધીમે ધીમે ઈ-સેન્સસનો વ્યાપ વધારવામાં આવશે.

ડિજિટલાઇઝેશનના આ યુગમાં, ભારત જેવા વિકાસશીલ દેશમાં વસ્તી ગણતરીની ઈ-સેન્સસ પદ્ધતિ ગુડ ગવર્નન્સ અને પોલીસી મેકિંગમાં ખૂબ જ મહત્ત્વની સાબિત થશે અને રાષ્ટ્રના વિકાસને નવી દિશા આપશે. આલેખન: મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.