Western Times News

Gujarati News

આત્મહત્યા કરતા યુવાનને ઈસનપુર પોલીસે બચાવી પરિવાર સાથે મિલાપ કરાવ્યો

ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલો યુવાન મુંબઈની હોટલમાં આત્મહત્યા કરવા જતો હતો, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહી અને સમયસૂચકતાથી તેને બચાવી લેવાયો

યુવાન લગ્ન કરવા માગતો નહોતો એટલે ઘર છોડીને મુંબઈ ચાલ્યો ગયો હતો

Ahmedabad, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો એક યુવાન લગ્નના થોડા દિવસ પહેલાં જ અચાનક ગુમ થઈ ગયો. પોલીસે તેની શોધખોળ કરતાં તે મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું. પોલીસ તાત્કાલિક ધોરણે મુંબઈની હોટલમાં પહોંચી ગઈ. એ વખતે જ આત્મહત્યાની કોશિશ કરતાં યુવાનને સમયસૂચકતા વાપરીને બચાવી લેવાયો અને તેના પરિવાર સાથે મિલાપ કરી દેવાયો. પોલીસના આવા પ્રયાસો જ ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ ઉક્તિને ચરિતાર્થ કરે છે.

સમગ્ર મામલાની વિગત જોઈએ તો ઈસનપુરમાં રહેતા યુવકના લગ્ન 12મી ડિસેમ્બરના રોજ યોજાવાના હતા. આ યુવાન 11મી ડિસેમ્બરના રોજ રાત્રે અઢી વાગ્યે ઘરે કોઈને કશું પણ કહ્યા વિના ચાલ્યો ગયો હતો. પરિવારે શોધખોળ કરીને પછી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી.

ઈસનપુર પોલીસના પીઆઈ શ્રી બી.એસ. જાડેજાની સૂચના મુજબ અ.હેડ.કોન્સ્ટેબલ શ્રી શંકરભાઇ વાલજીભાઇ તથા વુ.પો.કોન્સ્ટેબલ સુશ્રી માનસીબહેન રમેશભાઈએ તપાસ શરૂ કરી અને યુવાનના ઘરની આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ ચેક કર્યા. ટેક્સી કારથી યુવાનો ગયો હતો. ગુમ થનાર યુવાનનો મોબાઇલ ફોન ચેક કરતાં મુંબઈની એર ટિકિટ બુક કરાવ્યાનું જાણવા મળ્યું. યુવાનની બેંક એકાઉન્ટ ડિટેઇલ્સની તપાસ કરતાં મુંબઈની એક હોટલના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયાનું ધ્યાનમાં આવતાં ખ્યાલ આવ્યો કે યુવાન ભાગીને મુંબઈ ચાલ્યો ગયો છે અને હોટલમાં રહે છે.

સહેજપણ સમય ગુમાવ્યા વિના નાયલ પોલીસ કમિશનરશ્રી ઝોન-૬ શ્રી ભગીરથ ગઢવીએ પોલીસ ટીમને મુંબઈ જવાની મંજૂરી આપી. પોલીસ તાત્કાલિક મુંબઈ જઈને પેલી હોટલમાં પહોંચી. હોટલમાં તપાસ કરતાં ગુમ થનાર યુવાન તો મળ્યો પરંતુ તેણે આત્મહત્યાના પ્રયાસમાં પોતાના ડાબા હાથના કાંડાના ભાગે નસ કાપી હતી તથા ગળેફાંસો ખાવાની તૈયારી કરતો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને યુવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને સારવાર કરાવીને યુવાનનો જીવ બચાવી લીધો.

પોલીસે યુવાન સાથે વાતચીત કરીને જાણ્યું કે તેને લગ્ન નહોતા કરવા એટલે ભાગીને મુંબઈ આવી ગયો હતો. આ બનાવને કારણે પોતે માનસિક તાણ અનુભવતો હતો અને એટલે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ઇસનપુર પોલીસે યુવાનનું કાઉન્સેલિંગ કર્યું અને આત્મહત્યા જેવા માર્ગ ન આપવા માટે સમજાવ્યો. પોલીસે જિંદગી અમૂલ્ય હોઈ, મનુષ્ય જીવન ફરી ફરીને મળતું ન હોય, સામાન્ય મૂંઝવણના કારણે આત્મહત્યા કરવી, એ સમાધાન નહિ હોવાની સમજ આપી. એટલું જ નહિ, પોલીસે યુવાનના પરિવારજનોને બોલાવી તેને સોંપ્યો હતો.

પરિવારજનો સાથેનું યુવાનનું મિલન થતાં ભાવવાહી દૃશ્યો સર્જાયાં હતાં. ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, એક યુવાનને આત્મહત્યા કરવા બચાવતા અને નવું જીવન આપતા, પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.