કિશોરીઓના આરોગ્ય અને સશકતીકરણ માટે બાવળા ખાતે કિશોરી મેળાનું સફળ આયોજન
Ahmedabad, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), રજોડા, બાવળા ખાતે કિશોરીઓના આરોગ્ય અને સશકતીકરણ માટે એક દિવસીય કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કિશોરી મેળાનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓને શારીરિક, માનસિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો હતો. આ હેતુસર, બાવળા તાલુકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રોમાં કિશોરીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જેમાં હિમોગ્લોબિનની ચકાસણી, વજન અને ઊંચાઈની માપણી કરાઈ હતી.
વધુમાં, પોષણ અને સ્વચ્છતા અંતર્ગત સંતુલિત પોષણનું મહત્વ, માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, માનસિક સ્વાસ્થ્ય અને તણાવ વ્યવસ્થાપન વિષે જાગૃતિ લાવવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ટીમ દ્વારા જણાવાયું હતું કે, આવા મેળાઓ કિશોરીઓને આરોગ્ય અંગે સંવેદનશીલ બનાવવા માટેની તક પૂરી પાડે છે. સંકલ્પ-હબ દ્વારા કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ મહિલા કલ્યાણકારી અને સુરક્ષા સંબંધિત યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર શ્રીમતી ભૂમિકાબહેન મકવાણા દ્વારા બાળકોને રક્ષણ અને સુરક્ષા આપતા કાયદાઓ અને યોજનાઓની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, સમાજમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ઉપસ્થિત સૌને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ મેળામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય, રજોડામાં અભ્યાસ કરતી કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
