બોપલની ધ ન્યૂ તુલીપ ઇન્ટરનેશલ સ્કૂલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ
પ્રકૃતિ પાસેથી આપણે સઘળું લઇએ છીએ, પણ તેને આપતાં પણ શીખવું પડશે: વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા
‘એક પેડ મા કે નામ‘ પહેલ અંતર્ગત મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અમદાવાદના બોપલની ધ ન્યૂ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ૧૧૫મા સ્થાપાના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ‘એક પેડ મા કે નામ’ પહેલ અંતર્ગત મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધનને નાગરિક ધર્મ અંતર્ગત પ્રથમ ફરજ ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે પ્રકૃતિ પાસેથી આપણે સઘળુ લઇએ છીએ તો તેને આપતા પણ શીખવું પડશે. જે અંતર્ગત આજના કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા બંનેને મહત્ત્વ અપાયું છે. આ પ્રકારના કાર્યક્રમો નાગરિકોને પ્રેરણા આપે છે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આજના પરિપ્રેક્ષ્યમાં પર્યાવરણ જાગૃતિના અભાવે આપણે પૃથ્વીના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરી રહ્યા છીએ. રોજેરોજ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) બાબતે આવતાં સમાચારોમાંથી શીખ લેવા જણાવ્યું હતું અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા સૌને આગળ આવવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, બૅંક કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકોએ આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
આ પ્રસંગે બૅંક દ્વારા બોપલ-આંબલી વૃદ્ધાશ્રમને સહાય આપવામાં આવી હતી તેમજ સ્વચ્છતા અભિયાન અને વોકેથોન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું. જેમાં ક્વિઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સેન્ટ્રલ બૅંકના ઝોનલ હેડ એસ.કે. સરકાર, અમદાવાદના રિજનલ હેડ ગૌરવ કુમાર જૈન, ધ તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલના યોગેશ શ્રીધર અને તેજસ શ્રીધર તેમજ શાળા તેમજ બૅંક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
