ગોગો પેપર શું છે? કેવી રીતે થાય છે તેના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું
નરોડામાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર દરોડો પાડીને ગાંજાનું વેચાણ કરતા બે શખસોને પકડી પાડ્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપપોલીસને મળેલી બાતમીના આધારે નરોડા વિસ્તારમાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર દરોડો પાડીને ગાંજાનું વેચાણ કરતા બે શખસોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ ગોગો પેપરના નામે ગ્રાહકોને ગાંજો વેચતા હતા. પોલીસે સ્થળ પરથી આશરે ૯૨,૦૦૦ની કિંમતનો ૧ કિલો ૬૫૦ ગ્રામ ગાંજો કબજે કર્યો છે. પકડાયેલા બે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ માહિતી એસઓજીના પીએસઆઈ જેબી દેસાઈને મળી હતી. આ માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને નરોડામાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર પોલીસે છાપો માર્યો હતો.
પોલીસે સ્થળ પરથી વિજયસિંહ બલાત અને પિયુષ નામના બે વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. આ બંને આરોપીઓ પાનની દુકાનના ઓઠા હેઠળ ગુપ્ત રીતે ગોગો પેપરના નામે ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસે જ્યારે પાનની દુકાનના ગલ્લાની તલાશી લીધી, ત્યારે તેમાંથી ૧ કિલો અને ૬૫૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
બજારમાં આ ગાંજાની અંદાજિત કિંમત રૂપિયા ૯૨,૦૦૦ ગણવામાં આવી છે, જે પોલીસે કબજે કરી છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મુખ્ય આરોપી વિજયસિંહ બલાત મૂળ રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે મહિનાથી તે તેના મામાના ઘરે રહીને આ નનો ગલ્લો ચલાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિજયસિંહ પોતે ગ્રેજ્યુએટ છે અને તેણે રાજસ્થાનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે આ ગાંજો રાજસ્થાનના ઝાલોરના સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિ પાસેથી ખરીદીને લાવતો હતો.
બીજો આરોપી પિયુષ પ્રફુલભાઈ માત્ર ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી છે. પિયુષ મુખ્યત્વે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જોકે, ફાજલ સમયમાં તે તેના મિત્ર વિજયસિંહના પાનના ગલ્લા પર બેસીને ગાંજાના વેચાણમાં મદદરૂપ થતો હતો.
બંને આરોપીઓએ પોલીસ સમક્ષ ઝડપી આર્થિક લાભ મેળવવાના ઈરાદે ગોગો પેપરની આડમાં ગાંજો વેચવાની કબૂલાત કરી છે. પોલીસે હવે આ જથ્થાના સપ્લાયર એવા રાજસ્થાનના સુરેન્દ્રસિંહને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
